ગાંધીનગર: ગુજરાત સરકારે વીજ ક્ષેત્રમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના વિદ્યુત સહાયકોના પગારમાં વધારો કરવાનો કર્મચારીલક્ષી નિર્ણય લીધો છે.આ અંગે વધુ માહિતી આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. અને તેની સંલગ્ન કંપનીઓમાં સાત હજારથી વધુ વિદ્યુત સહાયકો જેવા કે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ-હેલ્પર, જુનીયર આસીસ્ટન્ટ, પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ અને જુનીયર ઈજનેર એમ ચાર સંવર્ગમાં ફિક્સ પગારથી કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓના આર્થિક હિતને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ વિદ્યુત સહાયકોના વેતનમાં માસિક રૂ.૨,૫૦૦ થી લઈ રૂ.૧૦,૪૫૦ સુધીનો માતબર વધારો કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં વિદ્યુત સહાયક ઈલેકટ્રીક આસીસ્ટન્ટ-હેલ્પર સંવર્ગના મંજૂર થયેલા પ્રથમ વર્ષના માસિક રૂ.૯,૦૦૦ના પગારમાં રાજ્ય સરકારે ગત ઓકટોબર માસમાં વધારો કરી રૂ.૧૧,૫૦૦ કરેલો જે હવે વધારીને રૂ.૧૪,૦૦૦ કરવામાં આવ્યો છે જ્યારે બીજા વર્ષનો માસિક રૂ.૧૦,૫૦૦નો પગાર વધારીને રૂ.૧૩,૦૦૦ કરાયો હતો તે હવે રૂ.૧૫,૫૦૦ થશે. જ્યારે તૃતીય વર્ષનો માસિક રૂ.૧૨,૦૦૦નો પગાર ગત ઓકટોબર માસમાં વધીને રૂ.૧૪,૫૦૦ થયેલો તે હવે વધીને રૂ.૧૭,૦૦૦ થશે. 


આ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટન્ટ અને પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ના કર્મચારીઓનો ગત ઓકટોબર માસમાં પ્રથમ વર્ષનો પગાર માસિક રૂ.૧૦,૦૦૦ હતો તે વધીને રૂ.૧૩,૫૦૦ થયો હતો. બીજા વર્ષનો પગાર માસિક રૂ.૧૧,૫૦૦ વધીને રૂ.૧૫,૦૦૦ જ્યારે તૃતીય વર્ષનો પગાર માસિક રૂ.૧૩,૦૦૦ વધીને રૂ.૧૬,૫૦૦ કરાયો હતો જેમાં નવ માસના ટુંકા ગાળામાં વધારો કરીને ત્રણેય વર્ષનો માસિક પગાર અનુક્રમે રૂ.૧૭,૫૦૦, રૂ.૧૯,૦૦૦ અને રૂ.૨૦,૫૦૦ કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત વિદ્યુત સહાયક જુનીયર ઈજનેરને પ્રથમ વર્ષે મળતા પગાર માસિક રૂ.૨૧,૫૫૦માં ગત ઓકટોબર માસમાં વધારો કરીને રૂ.૨૬,૫૫૦ કરાયો હતો જે હવે રૂ.૩૭,૦૦૦ અને દ્વિતીય વર્ષનો પગાર માસિક રૂ.૨૩,૫૫૦ વધારીને ગત ઓકટોબર માસમાં રૂ.૨૮,૫૫૦ થયો હતો તે હવે વધીને રૂ.૩૯,૦૦૦ થશે. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ધોરણો અનુસાર વિદ્યુત સહાયક જુનીયર ઈજનેર બે વર્ષ પૂર્ણ કરે ત્યારે અને અન્ય સંવર્ગના વિદ્યુત સહાયકો ત્રણ વર્ષ પૂર્ણ કરે ત્યારે જે તે સંવર્ગમાં કાયમી કરવામાં આવે છે.


રાજ્ય સરકારના આ નિર્ણયથી જી.યુ.વી.એન.એલ. અને તેની સંલગ્ન કંપનીઓ ઉપર વાર્ષિક રૂ.૩૨.૭૯ કરોડનું આર્થિક ભારણ આવશે. જો કે આ આર્થિક બોજો જે તે વીજ કંપનીઓ દ્વારા વહન કરવામાં આવશે. જનસમુદાયને સ્પર્શતી જાહેર સેવા સાથે સંકળાયેલા વીજ ક્ષેત્ર હેઠળ ફરજો બજાવતા કર્મચારીઓના ફિક્સ પગારમાં વધારો કરીને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતને ધ્યાને લઈ ફરી એક વખત નિર્ણય લીધો છે.