બ્રિજેશ દોશી, અમદાવાદ: દેશને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતે મહત્વની ભૂમિકા ભજવવી પડેશે તેવો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો. ગુજરાતે 1.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવું પડશે તો જ ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી શકાશે. સમગ્ર દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતનો છે તેવો દાવો પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે લોકોને સરકારી નોકરીનું આકર્ષણ હોય છે અને તેમની સરકારે 1.5 લાખ સરકારી નોકરી આપી છે. અમદાવાદમાં જીએલએસ ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇકોનોમિક્સ વિષય પરના સેમિનારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતએ દેશનું ગ્રોથ એન્જીન છે અને ગુજરાતનો જીડીપી પણ 9 ટકા છે. 


નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ઊંચા લક્ષ્યાંક વાળા સપના જોયા અને સાકાર કરી બતાવ્યા છે જ્યારે જૂની સરકારો તો સપના પણ જોતી નહોતી જેના કારણે વિકાસની ગાડી ધીમી ચાલી હતી. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર પહોંચાડવું, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, GIFT સીટી જેવા સપના નરેન્દ્ર મોદીએ સાકાર કરી બતાવ્યા છે. તેવા સંજોગોમાં આ 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સપનું પણ સાકાર થશે. 


મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ આઝાદ થયા બાદ સરકારો ચાલી પણ દેશ ન ચાલ્યો અને વોટબેંકની રાજીનીતિના કારણે દેશને નુકસાન થયું. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ગુજરાત અત્યારે પણ દેશમાં સૌથી અગ્રેસર છે અને આગામી દિવસોમાં પણ આગળ રહેશે. 


રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પોલીસી આધારીત સિસ્ટમ બનાવી છે અને તેના આધારે કામ થઇ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ફટાફટ નિર્ણયો લેવાયા છે પછી તે દરિયાકાંઠાનો વિકાસ હોય, બંદરોનો વિકાસ હોય કે પ્રવાસનની વાત હોય. ગુજરાતને ભારતનું પ્રવેશદ્રાર બનાવવા માટે રાજ્ય સરકાર હાલ કામગીરી કરી રહી છે અને સૌથી વધુ આયાત-નિર્યાત ગુજરાતના દરિયાકાંઠેથી થાય તે ઉદ્દેશથી આ કામગીરી ચાલી રહી છે. 


ગુજરાત કેમ છે દેશનું ગ્રોથ એન્જિન


- ગુજરાતનો જીડીપી 9 ટકા છે.
- વર્ષ 2000 પહેલાં ગુજરાતનું બજેટ 14 હજાર કરોડ હતું જે આજે 2.10 લાખ કરોડ પહોંચ્યું છે.
- કપાસ, તેલીબિયાં, મસાલા, મગફળીના ઉત્પાદન માં ગુજરાત નંબર 1 છે.
- ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક 1.45 લાખ રૂપિયા છે.
- કુલ FDI ના 40 ટકા રોકાણ એકલા ગુજરાતમાં છે.
- લક્ષ્મી મિતલ એ હજીરામાં 44 હજાર કરોડનું રોકાણ કર્યું છે.
- પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બની રહ્યું છે.
- MSME નું હબ ગુજરાત છે અને સૌથી વધુ રોજગાર આપે છે.
- સમગ્ર ભારતમાં સૌથી ઓછો બેરોજગાર દર ગુજરાતમાં છે.
- મુન્દ્રા અને કંડલા બંદરોનો વિકાસ ખૂબ ઝડપી થયો.
- ગુજરાતના લોકો જે ધારે એ દિશામાં પરિણામ લાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube