ગુજરાત હાઈકોર્ટે કહ્યું- કોરોનાના દર્દીઓના નામ નહીં, વિસ્તાર જાહેર કરો, કારણ કે...
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાને લઇને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં અપીલ કરાઇ છે કે કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવામાં આવે. જે મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે દર્દીઓના નામ નહીં, વિસ્તારના જ જાહેર કરવા જરૂરી છે.
અરજી મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કરતા કહ્યું છે કે, લોકોની ગુપ્તતાના અધિકારોને માન આપવું જરૂરી છે. કોરોનાના દર્દીઓના નામ નહીં, પરંતુ વિસ્તારના જ નામ જાહેર કરવા જરૂરી છે. કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવા અંગેની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે.
મહત્વનું છે કે, અરજદારે સરકાર અને જિલ્લા પ્રશાસનને કોરોના દર્દીઓનાં નામ જાહેર કરવાની માગ કરી હતી. અરજદારે દલીલ કરી હતી કે નામ જાહેર ન થતાં હોવાથી સંક્રમિત લોકો કોના સંપર્કમાં આવ્યા છે તેની જાણ થતી નથી. સરકાર જુલાઈ મહિના સુધી નામ જાહેર કરતી હતી પરંતુ જે અચાનક બંધ થઈ ગયું.