આશ્કા જાની/અમદાવાદઃ ગુજરાતમાં રખડતાં ઢોરનો મુદ્દો વિકટ બની રહ્યો છે, ત્યારે  રખડતાં ઢોર મામલે દરેક સુનાવણી દરમિયાન કોર્ટ સરકારની ઝાટકણી કાઢી રહ્યું છે. આજની કાર્યવાહીમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આજે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે.


અરજદારે કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો મળી. કોર્પોરેશન મોટા ભાગની ફરિયાદો પર કાર્યવાહી વિના જ ફરિયાદોનો નિકાલ કરી દે છે. રખડતા ઢોર પકડ્યા વિના જ ફરિયાદ બંધ કરી દેવાય છે. રાજ્યમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકોના મૃત્યુ અને ઇજાઓના કિસ્સાઓ બની રહ્યા છે. મૃતકો અને ઇજાગ્રસ્ત લોકોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશનને જવાબદાર ઠેરવી અને વળતર અપાવવું જોઈએ.


અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, સરકાર ઢોર નિયંત્રણ કાયદો આગામી વિધાનસભામાં પાછો ખેંચવાનું વિચારી રહી છે. ત્યારે કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો હતો કે રખડતા ઢોરના ત્રાસને ડામવા યોગ્ય પગલાં ના લેવાય તો જિલ્લા લેવલે કલેકટર અને SPની જવાબદારી ફિક્સ કરાશે. હાઇકોર્ટે જણાવ્યું કે, મૃતકો અને ઇજા ગ્રસ્તોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશન તેમજ રાજ્ય સરકાર જવાબદાર ગણી શકાય.


હાઇકોર્ટે જણાવ્યું હતું સે, રખડતા ઢોરની અડફેટે કોઈ વ્યક્તિ જીવ ગુમાવે છે તો તેને કેવી રીતે વળતર ચૂકવાશે એ અંગે સરકાર આગામી મુદ્દત સુધીમાં જવાબ રજૂ કરાશે. કોર્ટે ઉમેર્યું કે, સરકારે કહેલી વાતો માત્ર કાગળ પર રહી છે, હકીકતમાં ઠોસ કામગીરી દેખાતી નથી. યોગ્ય કામગીરી ન થાય તેવા સંજોગોમાં જે તે જિલ્લા કલેકટરને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવી અને કોર્ટ કાર્યવાહી કરશે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube