વાહ રે ગુજરાત: શિક્ષકોએ નોકરી બાદ ઉચ્ચ શિક્ષણ લીધું તો પ્રમોટને બદલે `ડિમોટ` થયા!
Gujarat Teachers: ગુજરાત માટે એક મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના 3 શિક્ષકો ડોડિયા, પરમાર અને રાજ્યગુરુ 1980 અને 1990 ના દાયકાથી ભાવનગર શહેર મ્યુનિસિપલ બોર્ડની શાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. પ્રાથમિક શિક્ષકની જગ્યા માટે જરૂરી લાયકાત પ્રાથમિક શિક્ષણમાં સર્ટિફિકેટ કોર્ષ સાથે માધ્યમિક શાળા શિક્ષણ જ પૂરતું હતું.
Teachers Demoted: ખરેખર સરકારમાં કેવા નિર્ણયો લેવાય છે એ એક સવાલ છે. ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ પ્રાથમિક શિક્ષકોના કેસની સુનાવણી ચાલી રહી છે જેમને ડિમોટ કરવામાં આવ્યા હતા. આ શિક્ષકોને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રીઓ મેળવવા બદલ ડિમોટ કરવામાં આવ્યા હતા. શિક્ષકો વધુ ઉચ્ચ અભ્યાસ કરે એ સારી બાબત છે પણ અહીં તો ઉચ્ચ શિક્ષણ લેવું એ ગુનો હોય તેમ પ્રમોશન પામેલા શિક્ષકોને ડિમોશન મળી ગયું છે. હવે તેમને ન્યાયનો સહારો લીધો છો.
જસ્ટિસ નિખિલ કરિયાલની બેન્ચે સ્ટે આપ્યો
આ કેસમાં જસ્ટિસ નિખિલ કરિયાલની બેન્ચે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો, જેનો અર્થ છે કે મગન ડોડિયા, સવજી પરમાર અને હરેશ રાજ્યગુરુ આગામી આદેશો સુધી મુખ્ય શિક્ષક તરીકે જ સ્કૂલમાં ફરજ બજાવશે. કોર્ટે અધિકારીઓને નોટિસ પાઠવીને આગામી સુનાવણી બુધવારે નિયત કરી છે.
પરવાનગી વિના શિક્ષણ કેમ લીધું
રાજ્ય સરકારે પ્રમોશન માટે અમુક પાત્રતા માપદંડો લાગુ કર્યા પછી, ત્રણેય મુખ્ય શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (HTAT) પરીક્ષા પાસ કરી - જે મુખ્ય શિક્ષક બનવા માટે જરૂરી છે - અને 2012 માં પોસ્ટ પર બઢતી આપવામાં આવી હતી. હવે 8 ડિસેમ્બર, 2023 ના રોજ, ભાવનગર મ્યુનિસિપલ એજ્યુકેશન કમિટીએ તેમનું પ્રમોશન રદ કર્યું અને પ્રાથમિક શિક્ષકોની તેમની મૂળ પોસ્ટ પર મૂકી દીધા હતા. આમ પ્રમોશનને બદલે ડિમોશન કરાયું હતું. આ સજા વિભાગની યોગ્ય પરવાનગી વિના ઉચ્ચ શિક્ષણ મેળવવાના "ગેરવર્તન" માટે હતી.
એકને મંજૂરી મળી છતાં ડિમોશન મળ્યું
ભાવનગરમાં નોકરી કરતા આ ત્રણેય શિક્ષકો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તેમના વકીલે જણાવ્યું હતું કે આ શિક્ષકોએ ઉચ્ચ અભ્યાસ કરવા માટે પરવાનગી માંગી હતી. જ્યારે સત્તાધિકારીએ ડોડિયા અને પરમારની સ્નાતક અભ્યાસને આગળ ધપાવવાની વિનંતીનો જવાબ આપ્યો ન હતો, રાજ્યગુરુને 1988માં સ્નાતક અભ્યાસ અને પછી ફરીથી 2010માં માસ્ટર ડિગ્રી મેળવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં રાજ્યગુરુને આ સજા આપવામાં આવી હતી. વકીલોએ એવી પણ ફરિયાદ કરી હતી કે તપાસ રિપોર્ટ ક્યારેય શિક્ષકો સાથે શેર કરવામાં આવ્યો ન હતો જેથી તેઓ સત્તાવાળાઓને જવાબ આપી શકે. ગુનો કર્યો હોય તો તેમને એક તક તો આપવી જરૂરી છે. શિક્ષકોનો આક્ષેપ છે કે તેમની વાતને સાંભળ્યા વિના તેમને દોષી ઠેરવી દઈને સજા આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube