અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના કેસમાં જેલમાં છે. આજે અલ્પેશના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે અલ્પેશને કોઈ રાહત ન આપતા હવે તેણે દિવાળી જેલમાં જ ઉજવવી પડશે. આ મામલે આગામી 19 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં ગુજરાત સરકારે અલ્પેશ કથીરિયાની જામીનનો વિરોધ કર્યો હતો. અલ્પેશ અને તેના સાથીઓએ ગુજરાત બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિનું વાતાવરણ ઉભું કર્યું હતું જેથી તેને જામીન ન આપો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજીતરફ હાઈકોર્ટમાં અલ્પેશના વકીલે કહ્યું કે, સરકાર કિન્નાખોરી રાખી કેસ કર્યો છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, તેણે રાજદ્રોહ કર્યો નથી. સરકારે અનામત આંદોલન વખતના 45માંથી 39 કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું.


તો રાજ્યસરકારે અલ્પેશના જામીનનો વિરોધ કરતા કોર્ટમાં કહ્યું કે, આંદોલન સમયે તેણે અને તેના સાથીઓએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તણાવનો માહોલ ઉભો કર્યો હતો. આ સાથે તોડફોડ અને હિંસા પણ કરવામાં આવી હતી. તેમણે ભડકાઉ ભાષણો પણ આપ્યા હતા. 


નોંધનીય છે કે, હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ નથી. ત્યારે અલ્પેશને જામીન ન આપવા માટે સરકારે રજૂઆત કરી છે. બંન્ને પક્ષે દલિલો પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી 19 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટ શું ચૂકાદો આપશે તેના પર તમામની નજર છે.