વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રાજ્ય સરકારના ડોમીસાઇલના નિયમોને ગુજરાત હાઇકોર્ટની મહોર
તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજરાતના હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ડોમીસાઇલના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આ નિયમોને નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં આજે મંજૂરીની મહોર મારવામાં આવી છે જેથી હવે ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૧૮થી રાજ્યની તબીબી અભ્યાસક્રમોની બેઠકો ઉપર રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ તકો ઉપલબ્ધ થતાં રાજ્યને વધુ બેઠકો મળશે.
ગાંધીનગર: તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજરાતના હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ડોમીસાઇલના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આ નિયમોને નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં આજે મંજૂરીની મહોર મારવામાં આવી છે જેથી હવે ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૧૮થી રાજ્યની તબીબી અભ્યાસક્રમોની બેઠકો ઉપર રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ તકો ઉપલબ્ધ થતાં રાજ્યને વધુ બેઠકો મળશે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે, એમ.બી.બી.એસ., બી.ડી.એસ. અને અન્ય તબીબી અભ્યાસક્રમમાં ગુજરાત રાજ્યમાંથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ કર્યું હોય અને ગુજરાતના અધિનિવાસી હોય તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ઘણા વર્ષોની માંગણીને ધ્યાને લઇને ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૧૮થી પ્રવેશ નિયમોમાં ડોમીસાઇલનો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો.
આ ડોમીસાઇલના નિયમની સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ પીટીશન દાખલ થઇ હતી. જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે તા.૨૫ જૂન-૨૦૧૮ના ચૂકાદાથી રાજ્ય સરકારના નિયમોને યોગ્ય ઠરાવાયા છે. સ્નાતક કક્ષાએ ગુજરાત રાજ્યના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના નિયમથી આવનારા વર્ષોમાં આ વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસક્રમ પૂર્ણ કરી અને રાજ્યના અંતરીયાળ અને દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં મદદરૂપ થશે અને રાજ્યનું આરોગ્ય માળઅું વધુ સુદ્રઢ અને સઘન બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આગામી વર્ષોમાં આ સ્નાતક વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક કક્ષાએ પણ પ્રવેશની તકો ઉપલબ્ધ થશે જેથી ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અનુસ્નાતક અભ્યાસક્રમોના પ્રવેશમાં વધશે. આવા સ્થાનિક વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ રાજ્યની તબીબી શૈક્ષણિક સંસ્થાઓમાં ઘટતા શૈક્ષણિક સ્ટાફને સરભર કરીને સીધી રીતે રાજ્યને લાભકર્તા બનશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ખૂટતા તજજ્ઞો ઉપલબ્ધ થવાથી રાજ્યની આરોગ્ય સેવાઓમાં પણ વધારો થશે.