આશ્કા જાની/અમદાવાદ :18 માસ થી 6 વર્ષના બાળકોની રમવાની ઉંમર છે. ઓનલાઈન શિક્ષણના નામે ભારણ ન નાખવા અને તેના પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી. જે મામલાની સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેકટરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે. અરજદારની રજુઆત છે કે, આ ઉંમરનાં બાળકોને લેપટોપ અને કોમ્પ્યુટર પર ફરજીયાત બેસવાની ફરજ પાડો નહીં. આ ઉંમરે બાળકોની રમવાની ઉંમર છે, તેમના પર ઓનલાઈન શિક્ષણના નામે ભારણ ન નાખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે કરાયેલી જાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મુક્તિ આપો. અરજદારે ગુજરાત હાઈકોર્ટેમાં રજૂઆત કરતા કહ્યું કે, આ બાળકોની એટલી ઉંમર નથી કે તેમને ઓનલાઈન શિક્ષણ આપી શકાય. રમવા કૂદવાની ઉંમરે ઓનલાઇન શિક્ષણ બાળકો માટે ગંભીર છે. 6 વર્ષની ઉંમરના બાળકોમાં માનસિક પરિપક્વતા નથી હોતા. તેમજ ઓનલાઇન શિક્ષણથી બાળકો પર વિપરીત અસર થઈ શકે છે. આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.


તો બીજી તરફ, હાઇકોર્ટે પરિપત્ર બહાર પાડ્યો છે કે, જે વકીલો પાસે વીડિયો કોન્ફરન્સિંગથી કેસની સુનાવણી કરવાની કોઈ સુવિધા નથી. તેમના માટે કોર્ટ બિલ્ડિંગમાં બે રૂમમાં વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઊભી કરાશે. જેથી તેઓ તેમની અરજી અંગેની રજૂઆત કરી શકશે. આ માટે કોઇ ટેકનિકલ મદદની જરૂર હશે તો હાઇકોર્ટ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. જેથી વીડિયો કોન્ફરન્સિંગથી વધુને વધુ અરજીઓ પર સુનાવણી થઇ શકશે. દરેક વકીલોએ સોશિયલ ડિસ્ટન્સનું કડકપણે પાલન કરવાનું રહેશે.