આશ્કા જાની/ગાંધીનગર :ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) માં એક કેસની સુનવણી દરમ્યાન એક વૃદ્ધના ફોનની રીંગ વાગતા ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી અને સાથે જ ટકોર કરી હતી કે, કોર્ટનું ડેકોરમ (court decorum) તો દરેકે જાળવવું જ પડે. ત્યારે આ ઘટના બાદ હાઈકોર્ટમાં મોબાઈલ માટે દંડ લેવાશે. હવે પછી કોઈના પણ મોબાઈલ ફોનની રીંગ કોર્ટમાં વાગશે તો પહેલીવાર 100 રૂપિયા અને બીજીવાર વાગશે તો 500 રૂપિયા તેમજ ત્રીજીવાર વાગશે તો 1000 રૂપિયા દંડ વસુલવામાં આવશે. તેમજ ફોન સાંજે 5 વાગ્યા સુધી જમા લઈ લેવા માટે રજિસ્ટ્રારને આદેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની કોર્ટમાં આ ઘટના બની હતી. ગઈકાલે એક કેસની સુનાવણી દરમ્યાન એક વૃદ્ધ પક્ષકારના ફોનની રીંગ કોર્ટ રૂમની અંદર વાગી હતી. જો કે તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે કોર્ટ મેટરને લઈ વૃધ્ધ પક્ષકારની માનસિક સ્થિતિ થોડી બગડી છે. જેના કારણે કોર્ટ રૂમમાં આવતા પહેલા તેઓ પોતાનો મોબાઈલ ફોન સાઇલેન્ટ કરવાનું ભૂલી ગયા હતા. ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી અને સાથે જ ટકોર કરવાની સાથે કોર્ટનું ડેકોરમ તો દરેકે જાળવવું જ પડે તેવું સૂચન પણ આપવામાં આવ્યું.


આ પણ વાંચો : બ્રેકિંગ : દરિયામાં વાવાઝોડા જેવા પવનથી ગીર સોમનાથની 15 બોટ ડૂબી, 8 ખલાસી લાપતા


ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એજે શાસ્ત્રી એક કેસ મામલે સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક મોબાઈલની રીંગ (mobile silent) સંભળાઈ હતી. મોબાઈલની રીંગ વાગતા જ વ્યક્તિ મોબાઈલ લઈને બહાર દરવાજા તરફ દોડી ગયો હતો. ત્યારે ચીફ જસ્ટિસે આ વ્યક્તિ વિશે પૂછ્યુ હતું. જેમાં જાણવા મળ્યું કે, આ વ્યક્તિ અસીલ છે અને સોગંધનામુ કરવા હાઈકોર્ટમાં આવ્યો હતો. ત્યારે એડવોકેટે ચીફ જસ્ટિસને કહ્યું કે, તેઓ માનસિક રીતે ત્રસ્ત હતા. તેથી તેમના બદલ હું માફી માગું છું. આ વ્યક્તિ તેમની પુત્રીના હેબિયર્સ કોર્પસના કેસને કારણે માસનિક રીતે ડિસ્ટર્બ છે અને હવે આ કેસ સ્યૂસાઈડનો બની ગયો છે.


આ ઘટના બાદ ચીફ જસ્ટિસે નારાજગી દાખવી હતી, તેમણે સૂચના આપી હતી કે, નોટિસ બોર્ડમાં સૂચના નથી કે મોબાઈલ બંધ રાખવો. સાથે જ ચીફ જસ્ટિસે વ્યક્તિ વતી એડવોકેટને 100 રૂપિયા દંડ ભરવાનું કહ્યુ હતું. તેમણે વધુમા કહ્યું કે, સૌ કોઈએ કોર્ટનું ડેકોરમ તો જાળવવુ જ પડે. 


આ બાદ ચીફ જસ્ટિસે ચાલુ કોર્ટમાં મોબાઈલની રિંગ વાગવા પર દંડની વાત કરી હતી, તેમણે કહ્યું કે, હવે ચાલુ કોર્ટમાં મોબાઈલની રીંગ વાગશે તો પહેલીવાર 100 રૂપિયા, બીજીવાર 500 રૂપિયા અને ત્રીજીવાર 1000 રૂપિયાનો દંડ વસૂલવામા આવશે.