ઝી મીડિયા/બ્યૂરો :ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી (ck raulji) ના પુત્રની ફરિયાદનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટે વહીવટી તંત્રની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સીકે રાઉલજીના પુત્રને ફરિયાદ કરનારને તડીપાર કરવાના કિસ્સામાં હાઈકોર્ટે (gujarat highcourt) આકરા શબ્દોમાં કહ્યું કે, કોઇ જનપ્રતિનિધિના દીકરાને કામોનો  હિસાબ માગી ફરિયાદ કરે તો તેને તડીપાર કરી દેવાનો ? તમે કો રજવાડું ચલાવો છો? સાથે જ હાઈકોર્ટે આ પ્રકારની કાર્યવાહી યોગ્ય છે કે નહીં તેની સ્પષ્ટતા કરવા વહીવટી તંત્રને જણાવ્યું છે. તેમજ ધારાસભ્ય સી.કે. રાઉલજીને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું 
પંચમહાલના ધારાસભ્ય સીકે રાઉલજીના પુત્ર માલવદીપસિંહને ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ નામના શખ્સે ફોન પર ફરિયાદ કરી હતી કે, તમે અમારા મતોથી ચૂંટાઈને જીતો છો. તો અમે કહીએ તેવા કામો થવા જોઈએ. સાથે જ શખ્સે ધમકી આપી હતી કે, કામ નહિ કરો તો ગામમાંથી નીકળવા નહી દઈએ, ક્યારે પતાવી દઈશું તે ખબર પણ નહીં પડે. સી.કે. રાઉલજી અને તેમન પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળવાના પ્રકરણમાં ધારાસભ્યના પુત્રએ ગોધરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. 


વહીવટી તંત્રને જવાબ આપવા આદેશ
આ વર્ષે જૂન મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે ગોધરાના ડેપ્યુટી કલેક્ટરે આ આરોપીને સાત જિલ્લામાંથી તડીપાર કર્યો હતો. તેમજ આણંદ જિલ્લો ડેપ્યુટી કલેક્ટરના તડીપારની સત્તાના હુકૂમતક્ષેત્રમાં ન આવતો હોવા છતાં તેમાંથી પણ તડીપાર કર્યો હતો. કલેક્ટરના આ આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે હાઈકોર્ટે આકરા શબ્દોમાં વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. 
 
ધારાસભ્યના પુત્રને સવાલ કરશો કે અમારાં કામ શા માટે નથી થતાં તો તડીપાર થશો
આ અંગેની સુનાવણીમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કહ્યું કે, જાનથી મારી નાંખવાની ધમકી આપી છે  અને આઇ.પી.સી.ની કલમ-૩૦૭નો કેસ છે તો તેને જેલમાં રાખો ને. આવી ધમકી આપાનારી વ્યક્તિને જેમાં રાખો તો કોર્ટ પણ સહમત છે પરંતુ ધારાસભ્યના પુત્ર સાથે આવી રીતે વાત કરાનારાંને તડીપાર કરવાની સત્તા ડેપ્યુટી કલેક્ટરને કોણે  આપી ? આરોપીએ ફોન પર ધમકી આપી છે તો તડીપાર થઇને તે બીજા જિલ્લામાંથી ધમકી નહીં આપે ? કે પછી તંત્ર એવો સ્પષ્ટ મેસેજ લોકો સુધી પહોંચાડવા માગે છે કે ધારાસભ્યના પુત્રને સવાલ કરશો કે અમારાં કામ શા માટે નથી થતાં તો તડીપાર થશો. આ અધિકારીને સમન્સ આપવામાં આવે છે અને તેની પાસેથી સોગંદનામાં સ્વરુપે જવાબ માગવામાં આવે છે. આગામી સુનાવણી સુધી તડીપારનો આદેશ પર સ્ટે ફરમાવવામાં આવે છે.


આપણે રજવાડા નથી ચલાવતા - હાઈકોર્ટ
સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, આપણે રજવાડાં નથી ચલાવી રહ્યા. આ ભારતીય ગણતંત્ર છે. આ પ્રજાતંત્ર છે કે જ્યાં એક નાગરિક પ્રશ્ન પણ ન પૂછી શકે અને પ્રશ્ન પૂછે તો તેને તડીપાર કરવામાં આવે છે. આણંદમાં આ ડેપ્યુટી કલેક્ટરન સત્તા ન હોવા છતાં તેને આણંદમાંથી પણ તડીપાર કરાયો છે.