ગીરમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શિકા જારી કરી
હાઈકોર્ટે સિંહોની સુરક્ષા માટે યથાયોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે ભરવાની રાજ્ય સરકારને તાકીદ કરવાની સાથે જ કેસને ચાલુ રાખ્યો છે અને વધુ સુનાવણી 16 જાન્યુઆરી, 2019ના રોજ હાથ ધરાશે
અમદાવાદઃ થોડા સમય પહેલા ગીરમાં થયેલા સિંહોના મોતના મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકાર માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારને તેનું યોગ્ય અમલીકરણ કરાવવાની તાકીદ કરી છે. સાથે જ કોર્ટના નિર્દેશો મુજબ થયેલી કામગીરીનો રિપોર્ટ 15 જાન્યુઆરી 2019 સુધી સોંપી દેવાનું રાજ્ય સરકારને આદેશ કર્યો છે.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, વાયરસ અન્ય સિંહોમાં ન ફેલાય તેના માટે રાજ્ય સરકારે વનપ્રાણી નિષ્ણાતો પાસેથી યોગ્ય સલાહ લઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાની રહેશે. ખેતરમાં તારની વાડમાં ચલાવાતા વીજ પ્રહવા અને ખુલ્લા કૂવામાં પડી જવાને કારણે સિંહોના મોત થાય છે. આથી રાજ્ય સરકારે તેને અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.
હાઈકોર્ટે ખુલ્લા કૂવાની ફરતે દિવાલ ચણવા ખેડૂતોને સબસિડી સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે. સાથે જ સમગ્ર જગલમાં જ્યાં પણ ખુલ્લા કુવા આવેલા છે તેની ફરતે દિવાલનું ચણતર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા સરકારને જણાવ્યું છે. ખુલ્લા કુવાની ફરતે દિવાલ ચણવાની કામગીરીનો રિપોર્ટ મામલતદારે દર 15 દિવસે સ્થાનિક કલેકટરને રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.
એડવોકેટ હેમાંગ શાહે આ અંગે જણાવ્યું કે, હાઈકોર્ટે સરકારે સિંહોની સુરક્ષા માટે ત્વરિત પગલાં લેવા આદેશ આપ્યો છે. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સુચનોનું પણ પાલન કરવામાં આવે. રાજ્ય સરકારે પણ સિંહોની સુરક્ષા માટે વધુ ફંડ ફાળવવાનું રહેશે. જંગલમાં આવેલા ખુલ્લા કુવાઓને દિવાલો બનાવવાનું કામ શરૂ કરવામાં આવે અને આ અંગેનો રિપોર્ટ મામલતદાર દર 15 દિવસે કલેક્ટરને આપે. કેન્દ્ર સરકાર ફંડ અંગેની એફિડેવીટ હવે પછી દાખલ કરશે. હાઈકોર્ટે કેસને ચાલુ રાખ્યો છે અને રાજ્ય સરકારને 16 જાન્યુઆરી, 2019 સુધીમાં તેણે લીધેલાં પગલાં અંગેનો રિપોર્ટ ફાઈલ કરવા આદેશ આપ્યો છે.
ગાંધીનગરમાં સંભળાશે ગીરના સિંહોની ગર્જના, ઈન્દ્રોડા પાર્કમાં લવાશે જૂનાગઢના સક્કરબાગમાંથી સિંહોની જોડી
કેન્દ્ર સરકારને પણ લીધી આડેહાથ
હાઈકોર્ટે સિંહોની સુરક્ષા માટે કેન્દ્ર તરફથી ફાળવવામાં આવતા ફંડ અંગે પણ સરકારનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે સવાલ પુછ્યો છે કે, એક તરફ કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ ટાઇગર પાછળ રૂ. 15 લાખનો ખર્ચ કરે છે, જ્યારે સિંહ પાછળ માત્ર રૂ. 95 હજારનો નજીવો ખર્ચ કરે છે. સિંહ માટે સરકાર દ્વારા ફાળવાતું ભંડોળ વાઘ પાછળ થતા ખર્ચના માત્ર 2.57 ટકા જ છે. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે સિંહના સંવર્ધન અને રક્ષણ માટે 26 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેની સામે વાઘ માટે સરકાર દ્વારા કુલ 1007 કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવવામાં આવ્યું છે. હાઇકોર્ટે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રૂ.95 હજારના વાર્ષિક ખર્ચ અંગે પણ કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માગ્યો છે.