ઐતિહાસિક ચુકાદો : રિડેવલપમેન્ટમાં 75% સભ્યોની જ મંજૂરી અનિવાર્ય, અમદાવાદીઓને કરશે મોટી અસર
Gujarat Highcourt : ગુજરાત હાઇકોર્ટે ઠેરવ્યું છે કે, ગુજરાત ઓનર્સશીપ ફલેટ્સ એકટ-૧૯૭૩ની જોગવાઇઓ હેઠળ ૭૫ ટકા સભ્યો તૈયાર હોય તો મેનેજીંગ કમીટી રિડેવલપમેન્ટ બાબતે નિર્ણય લઇ શકે છે
Redevelopment Rules for Residential : ગુજરાતના અમદાવાદમાં ઘટતી જતી જગ્યાઓ અને વધતી જતી વસતી વચ્ચે હવે રિડેવલોપમેન્ટ જ એક સૌથી મોટી આશા છે. અમદાવાદમાં ઘણી બધી સોસાયટીઓ અને બિલ્ડીંગો રિ ડેવલોપમેન્ટ કરાવવા માગે છે. જેમાં નિયમોને આધિન આ બેઠકો છેલ્લી ઘડીએ રદ થઈ જાય છે. હાલમાં ગુજરાત હાઇકોર્ટે એક સિમાચિહ્ન મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં રિડેવલપમેન્ટ માટે સોસાયટીના ૭૫ ટકા સભ્યોની મંજૂરી હોય તો બાકીના ૨૫ ટકા સભ્યોની મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. આ પહેલાં સીંગલ જજે આ ચૂકાદો આપ્યો હતો. જે ચૂકાદાને હાઈકોર્ટે પણ બહાલ આપતાં હવે રિ ડેવલોપમેન્ટ માટેની દિશામાં નવા દ્વાર ખૂલ્યા છે. અમદાવાદના જોધપુર વિસ્તારની એક સોસાયટીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપતાં ઠરાવ્યું કે, રિડેવલપમેન્ટ માટે ૭૫ ટકાથી ઓછા સભ્યોની મંજૂરી ચાલે નહી. ૭૫ ટકા સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે, તેથી ઓછી નહી. તમારી પાસે 75 ટકા સભ્યોની મંજૂરી છે તો 25 ટકા સભ્યો ના પાડશે તો પણ એમની અસહમિત માન્ય રહેશે નહીં. ઘણી સોસાયટીઓમાં 80 ટકા સભ્યો તૈયાર હોય પણ ગણાગાંઠ્યા કેટલાક સભ્યો આ મામલે આડોડાઈ કરતા હોય છે અને રિડેવલોપમેન્ટના અરમાનો પર પાણી ફેરવી દેતા હોય છે. આ ચૂકાદાને પગલે ઘણી સોસાયટીઓ અને બિલ્ડીંગોનો રસ્તો ક્લિયર થઈ જશે.
આ સીમાવર્તી ચૂકાદામાં ગુજરાત હાઇકોર્ટે ઠેરવ્યું છે કે, ગુજરાત ઓનર્સશીપ ફલેટ્સ એકટ-૧૯૭૩ની જોગવાઇઓ હેઠળ ૭૫ ટકા સભ્યો તૈયાર હોય તો મેનેજીંગ કમીટી રિડેવલપમેન્ટ બાબતે નિર્ણય લઇ શકે છે. આ માટે મેનેજીંગ કમીટીએ જનરલ બોડી સમક્ષ રિડેવલપેન્ટના પ્રોજેકટ અંગેનો એજન્ડા મૂકવો જરૂરી છે અને તેના પરત્વે સભ્યોની સ્વતંત્ર મરજી અનિવાર્ય છે. જો સભ્યો આ અંગે પોતાની મંજૂરી આપે તો તે ૭૫ ટકાથી ઓછી હોવી જોઇએ નહી.
આ પણ વાંચો :
કોલ્ડવેવમાં સૌથી પહેલા કરો આ કામ, આ જરૂરી ટિપ્સ તમને કાતિલ ઠંડીથી બચાવશે
આ માટે કેટલાક સૂચનો પણ હાઈકોર્ટે કર્યા છે. જેમાં મકાન માલિકોને રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પહેલાં અન્યત્ર વૈકલ્પિક સ્થળે ભાડેથી સ્થળાંતરિત કરવાના છે, જે ભાડુ ડેવલપરે ચૂકવવાનું હોય છે અને બાદમાં નવા મકાનમાં પુનઃસ્થાપિત કરવાના છે. આ નિયમો બિલ્ડરો માને તો જ રિ ડેવલોપમેન્ટ કરી શકે છે. આ કિસ્સામાં મકાન માલિક ઇચ્છે તો ઘર લઈ શકે કે મકાન બિલ્ડરને વેચી પણ શકે છે. હાઈકોર્ટે જે ચૂકાદો આપ્યો છે એ કેસમાં પ્રસ્તુત સોસાયટીના કેસમાં ૭૮ માંથી ૭૪ સભ્યોએ મંજૂરી આપી હતી. જેને સીંગલ જજે ગ્રાહ્ય રાખી હતી, આ હુકમથી નારાજ સભ્ય દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરાઇ હતી. જો કે, હાઇકોર્ટે અપીલ ફગાવી દઇ સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો.
આ છે રિડેવલોપમેન્ટના નિયમો
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, કાયદાકીય જોગવાઇ મુજબ, જો કોઇ સોસાયટી, બિલ્ડીંગ કે ઇમારત ૨૫ વર્ષથી વધુ જૂનુ હોય તો જ અને સક્ષમ સત્તામંડળનો અભિપ્રાય એવો હોય કે, આ બાંધકામ જોખમી છે અને જર્જરિત હાલતમાં છે તેવા સંજોગોમાં જ રિડેવલપમેન્ટની પરવાનગીસત્તાવાળાઓ દ્વારા આપી શકાય. આ રિડેવલપમેન્ટનો મતલબ એવો નથી કે, કોઇને ઘર વિહોણા કરી નાંખવા. રિડેવલપમેન્ટથી કોઇને અળગા નથી રાખવાના પરંતુ આ માટે નિયમો પણ અતિ જરૂરી છે.
આ પણ વાંચો : ગુજરાતની 8 નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું, આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે