Gujarat Hill Stations: શિયાળો પૂરો થયો અને હવે ઉનાળાના વાયરા શરૂ થઈ ગયા છે. છોકરાઓની પરીક્ષાઓ પૂરી થતા ગુજરાતીઓ હવે ફરવા માટે ઉપડી જશે. ખાસ કરીને જ્યાં ઠંડી ઠંડી હવા માણવા મળે તેવા હિલ સ્ટેશનો ખુબ ફેવરિટ હોય છે. ગુજરાતીઓ આમ તો ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અથવા તો સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશનોને પણ ટક્કર મારે એવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી દૂર


જો ફરવાના શોખીન હોવ તો આ હિલ સ્ટેશન વિશે ખાસ જાણજો. આ એટલા માટે છે કે ઉત્તર ગુજરાતમાંથી લોકો માઉન્ટ આબુ ફરવા માટે જાય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી લોકો સાપુતારા જાય છે. જો સાપુતારા ન જવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.  ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે એટલે તમે તેમની રહેણી કરણી અને તેમના ઘર, ભોજન વગેરે વિશે નવી નવી માહિતી પણ મેળવી શકો છો. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી દૂર છે. ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી છે.


ઐતિહાસિક મહત્વ
ડોન હિલ સ્ટેશન ફરવા માટે તો બેસ્ટ છે જ પરંતુ સાથે સાથે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉત્કૃષ્ટ ગણાય છે. તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. 


ગુજરાતનું સંતાકૂકડી રમતું હિલ સ્ટેશન!
અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે છે ડોન હિલ સ્ટેશન...જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી તે માત્ર 38 કિલોમીટર દૂર આવેલું છે. આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવો છે જેને જોઈને મનને ટાઢક થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી 3 જ કિલોમીટર દૂર છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. 


નામની પાછળ આ વાર્તા!
તમને હવે એ પણ નવાઈ લાગતી હશે કે આખરે આ હિલ સ્ટેશનનું નામ ડોન કઈ રીતે પડ્યું હશે? ડોન તો સામાન્ય રીતે કોઈ માફિયા કે ગુંડા માટે વપરાતો શબ્દ હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભૂત હિલ સ્ટેશનના નામ પાછળની કહાની પણ ખુબ રસપ્રદ છે. સ્થાનિક લોકવાયિકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું અને અપભ્રંશ થઈને પછી દ્રોણનું ડોન થઈ ગયું. 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube