Operation Party : થર્ટી ફર્સ્ટની પાર્ટી પહેલાં ZEE 24 કલાક પર ‘ઓપરેશન પાર્ટી’ સ્ટિંગ ઓપરેશન બતાવાયું. જેમાં બતાવાયું કે, કેવી રીતે ગુજરાતનાં શહેરોમાં વેચાઈ રહ્યો છે દારૂ. જુઓ કયા-કયા પોલીસ સ્ટેશનની હદમાં વેચાઈ રહ્યો છે દારૂ... કોણ વેચી રહ્યું છે દારૂ... ZEE 24 કલાકે થર્ટી ફર્સ્ટની પાર્ટી પહેલાં ઓપરેશન પાર્ટી નામથી સ્ટિંગ ઓપરેશન કર્યું છે. જેમાં એવા ચોકાવનારા ચહેરા કેદ થયા છે જે બતાવે છે દારૂબંધી તો નામની છે.. દારૂ જોઈએ ત્યારે મળે છે તેવું આ સ્ટિંગ ઓપરેશન દ્વારા અમે બતાવાયું. ત્યારે ઝી 24 કલાકના અહેવાલની અસર તાત્કાલિક ધોરણે ગાંધીનગરથી લેવાઈ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઓપરેશનના વખાણ કર્યાં છે. આ ઓપરેશન ચલાવવા બદલ હર્ષ સંઘવીએ ઝી 24 કલાકની ટીમને અભિનંદન આપ્યા. તો સાથે જ અનેક જિલ્લાના પોલીસ વડાએ અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઓપરેશન પાર્ટી
થર્ટી ફર્સ્ટ હોવાથી નવા વર્ષની પાર્ટીઓની જેવી તૈયારી શરૂ થઈ ત્યાં જ પોલીસે દાવા કરવાના શરૂ કર્યા હતા કે તેમણે સઘન તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં જુઓ તો પોલીસ તપાસ થતી હોવાનાં દ્રશ્યો સામે આવવા લાગ્યાં. સામાન્ય જનતા સમાચાર જુએ તો એવું જ લાગે કે ગુજરાતની પોલીસ તો જબરદસ્ત તપાસ કરી રહી છે. પરંતુ આ તપાસ કેવી રીતે થઈ રહી છે અને પોલીસના સઘન ચેકિંગ પાછળની સચ્ચાઈ શું છે તેના પરથી અમે પડદો ઉઠાવ્યો. હકીકત એ છે કે પોલીસની તપાસ તો ખાલી દેખાડો છે પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં છે. દારૂબંધીના કાયદાના ઉડી રહ્યા છે અનેક શહેરમાં લીરે લીરા. 



તો ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશન પર લો એન્ડ ઓર્ડર ઈન્ચાર્જ DGP વિકાસ સહાયે કહ્યું કે, 31 ડિસેમ્બર અને નવા વર્ષ માટે તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ ઉજવણી માટે વ્યવસ્થા કરી છે. દરેકને અપીલ છે કે આ પ્રસંગની ખુલ્લા દિલે ઉજવણી કરે. મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની She ટીમ કાર્યરત છે. 600 She ટીમ સમગ્ર રાજયમાં પેટ્રોલીંગ કરશે. દરેક પોલીસ સ્ટેશનમાં વુમન હેલ્પ ડેસ્ક આજના દિવસ માટે સ્પેશિયલ ઊભો કરાયો છે. દારૂબંધીના કડક પાલન માટે વિશેષ ડ્રાઈવ આજે કરાશે. 3 હજાર બ્રેથ એન લાઇઝરથી ચકાસણી થશે. ડ્રગ્સનું સેવન કરેલા માટે વિશેષ કીટ 4 મહાનગરમાં આપી છે. જેનાથી 5 થી 7 મિનિટમાં ડ્રગ્સના સેવન કરેલી વ્યક્તિઓની ચકાસણી થશે. ત્રિનેત્રથી ટ્રાફિક મેનેજમેન્ટ દરેક જિલ્લામાં કરાશે. સિનિયર અધિકારીઓ તેનું મોનીટરીંગ કરશે. DySP અને PI કક્ષાના અધિકારીઓ સતત મોનીટરીંગ કરશે.



ઝી 24 કલાકના સ્ટિંગની અસર
ઝી 24 કલાક દ્વારા ચલાવાયેલા સ્ટીંગ ઓપરેશનની મોટી અસર જોવા મળી. અરવલ્લીમાં ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનની અસર જોવા મળી. ZEE 24 કલાકના અહેવાલ બાદ અરવલ્લી પોલીસ દોડતી થઈ. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા. ઝી 24 કલાકે મોડાસામાં ચાલતા દારૂના ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને ZEE 24 કલાકે જ પોલીસને આ અંગેના પુરાવા આપ્યા હતા. અમે ક્યાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તે બતાવ્યું. જેમાં ટાઉન પોલીસના નાક નીચે જ દારૂ વેચાતો હતો. 



તો મહીસાગરમાં નાયબ મામલતદારની દારૂ પાર્ટીને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા. ZEE 24 કલાકના અહેવાલ બાદ મહીસાગર પોલીસ એક્શનમાં આવી. દારૂની પાર્ટીને લઈને  નાયબ પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા. દારૂબંધીનો મજાક બનાવતા અધિકારીઓ પર કાર્યવાહી થશે તેવુ જણાવ્યું. નાયબ પોલીસ વડાએ તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી.