બરવાળા લઠ્ઠાકાંડ : દારૂ નહિ મોતનો સામાન હતો, મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું 80% કેમિકલ પીધું હતું
Hooch Tragedy Gujarat : ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ
ઉદય રંજન/રઘુવીર મકવાણા/અમદાવાદ :બરવાળાના લઠ્ઠાકાંડ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં જે દારૂ પીવાયો હતો તેમાં 80 ટકા કેમિકલ હોવાનો ખુલાસો થયો છે. ઝેરી દારૂ અંગે FSLએ ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેથી સાબિત થયુ છે કે, મૃતકોએ દારૂ નહિ પણ સીધેસીધુ કેમિકલ જ પીધુ હતું. જે મિથેનોલ કેમિકલ 27 લોકોના મોતનો સામાન બન્યો તે ખરીદવામાં નહિ, પણ ચોરવામાં આવ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ 200 લીટર કેમિકલના 60,000 આપ્યા હતા. તો બીજી તરફ, લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસર ગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.
ઝેરી દારૂમાં 80 ટકા કેમિકલ હતું - રિપોર્ટ
બોટાદના લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. થોડીવારમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારી ઉપસ્થિત રહેશે. ગૃહરાજ્યમંત્રીની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળશે. ઝેરી દારૂ અંગે FSLએ ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં આ ઝેરી દારૂમાં 80 ટકા કેમિકલ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે.
મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું
ગુજરાત પોલીસનો દાવો કે માર્યા ગયેલા લોકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેચી દીધુ હોવાનું સામે આવ્યુ છે. જે તેમના મોતનું કારણ બન્યુ હતું. આમ, મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. દારૂની કોથળીના બદલામાં આરોપીઓ કેમિકલ વેચતા હતા. સંજય, પિન્ટુ અને તેના સાગરીતોએ લોકોને દારૂના બદલામાં કેમિકલ વેંચ્યુ હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે.
આ પણ વાંચો : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો: દારૂ બનાવવા વપરાયો મિથેનોલ, અમદાવાદથી મોકલવાયું કેમિકલ
ઝેરી દારૂ પીનારી એક મહિલા પણ સારવારમાં
અમદાવાદ-બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોનાં મોત થયા છે. ઝેરી દારૂ પીવાને લીધે કુલ 24 મૃત્યુ અને 37 હૉસ્પિટલમાં હજી સારવાર હેઠળ છે. આ તમામ અલગ અલગ ગામના છે. રોજીદના 6 લોકોનાં અને અણિયાળીના 3 લોકોનાં મૃત્યુ થયા. આકરુના 3 અને ચંદરવા ગામના 2 લોકોનાં ઝેરી દારૂથી મૃત્યુ થયા. ઉંચડી ગામના 2 લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાં. તો ભાવનગરની હૉસ્પિટલમાં 1 મહિલા પણ ગંભીર હાલતમાં દાખલ છે. આમ, કુલ 37 દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ લાવવામા આવ્યા દર્દી
બરવાળા લઠ્ઠાકાંડના કેટલાક દર્દીઓને હવે સારવાર માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ 12 જેટલા દર્દીઓને દાખલ કરાયા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગઈકાલ રાતથી દર્દીઓ એક બાદ એક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.