કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે બોટાદ પોલીસ આવી, પિતા ગુમાવનાર 4 બાળકોની જવાબદારી લીધી
Botad LatthaKand : દેવગણા ગામમાં પહોંચેલી બોટાદ પોલીસે કરી મોટી જાહેરાત
રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદ જિલ્લામાં સર્જાયેલા કેમિકલ કાંડમાં અનેક ઘર બરબાદ થયા છે. લગભગ 13 જેટલા ગામોમાં કેટકેટલાય લોકોના જીવ ગયા છે અને બે દિવસથી આ ગામોનું વાતાવરણ ગમગીન બન્યું છે. કેટલાય સંતાનોએ પિતાનો છત્રછાયો ગુમાવ્યો છે. ત્યારે બરવાળા કેમિકલકાંડમાં મૃતકોના પરિવારની વ્હારે બોટાદ પોલીસ આવી છે. એક પરિવારના મોભીના અવસાનથી બાળકોની ભણતરની જવાબદારી પોલીસે ઉપાડવાની જાહેરાત કરી છે. આજે પરિવારને સાંત્વના આપવા બોટાદ એસપી, ડીવાયએસપીની ટીમ પહોંચી હતી. જ્યાં એક પરિવારના 3 બાળકોના અભ્યાસની જવાબદારી પોલીસની ટીમ ઉપાડશે.
કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે બોટાદ પોલીસ આવી છે. પરિવારના મોભીના અવસાન બાદ બાળકોના ભણતરની જવાબદારી પોલીસે ઉઠાવી છે. પરિવારને સાંત્વના આપવા બોટાદ એસપી અને ડીવાયસેપીની ટીમ દેવગણા ગામે પહોંચી હતી. જેમાં કેમિકલ કાંડમાં મૃત્યુ પામેલા કનુભાઈ સુરાભાઈના પરિવારના ચાર બાળકોની અભ્યાસની જવાબદારી પોલીસે ઉપાડવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ઘરનો કમાનાર ઘણી જ ગયો, દાદી પાસે બેસેલા માસુમને ખબર પણ નથી કે લઠ્ઠાકાંડમાં તેણે પિતા ગુમાવ્યા
કનુભાઈના ઘરે પહોંચેલા બોટાદ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે, બોટાદમાં થયેલા કેમિકલ કાંડમાં સંકળાયેલા લોકોને જિલ્લા પોલીસ દ્વારા જે પકડવાની કાર્યવાહી તો ચાલુ જ છે. પરંતુ આ વચ્ચે અમારા ધ્યાને આવ્યુ હતું કે, દેવગણાના કનુભાઈ સુરાભાઈનું અવસાન થયુ છે. તેમના પત્ની પણ સાથે નથી અને પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. કનુભાઈના મોતથી ચારેયના માથેથી પિતાનો સાયો ગયો છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. તેમના પ્રાથમિકથી કોલેજ સુધી જે પણ જરૂર હશે તો બોટાદ જિલ્લા પોલીસ તમામ ખર્ચ ઉપાડશે. તેમજ શિક્ષણ સિવાય કોઈ પણ મદદ માટે જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.