ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી બાજુ હવામાન વિભાગની ઠંડીની આગાગીને જોતા ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, એટલે કે હજુ ઠંડીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દિવસ કરતાં રાતના સમયે ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે નલિયા 13.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં ઠંડુગાર સાબિત થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. નવેમ્બરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. શક્ય છે કે તેના કારણે દરેક જિલ્લાઓમાં 2થી5 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવે.


બીજી બાજુ રાજ્યમાં પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીના કારણે સુરતમાં એકનું મોત નિપજ્યું છે. બીજી તરફ કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 13.8 ડિગ્રીએ પહોચતાં રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 15.3 ડિગ્રી નોંધાયો છે. શહેરમાં રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે, જ્યારે દિવસનું તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube