ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભા ચૂંટણીના ઢોલ વાગવાની તૈયારીમાં છે. રાજકીય પાર્ટીઓએ પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ ફરી 26માંથી 26 બેઠક જીતવા માંગે છે તે માટે ખાસ રણનીતિ બનાવી છે. ગુજરાતમાં મોટા પાયે નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. 20 દિગ્ગજ સાંસદના પત્તા કપાઈ શકે છે. ત્યારે કોનું કપાશે પત્તુ?, શું બનાવી છે ગુજરાતમાં ભાજપે ખાસ રણનીતિ?


  • ઈતિહાસ રચવા માટે મોદી સરકાર સજ્જ

  • ગુજરાતમાં ભાજપને લગાવી છે હેટ્રિક

  • ગુજરાતમાં મોટા પાયે થઈ શકે છે નવાજૂની

  • PM, HMના ગૃહ રાજ્યમાં નવા પ્રયોગના મૂડમાં ભાજપ

  • 26માંથી 20 દિગ્ગજ સાંસદોના કપાશે પત્તાં!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીના નેતાઓએ પ્રજાને રિઝવવાના નવા નવા કીમિયા શરૂ કરી દીધા છે. દરેક પાર્ટી પોત પોતાની જીતના દાવા કરી રહી છે. ત્યારે દેશમાં રાજકીય એપી સેન્ટર કહેવાતા ગુજરાતમાં ભાજપ આ વખતે કંઈક નવો જ ખેલ કરવા જઈ રહ્યું છે. આ નવા પ્રયોગના મૂડથી ગુજરાતના ચાલુ સાંસદોની ટેન્શન વધી ગયું છે. 


ભાજપ આ વખતે 26માંથી 26 સાંસદોને રિપિટ કરવાના મૂડમાં નથી. કેટલાક સાંસદોના પત્તાં આ વખતે કપાઈ શકે છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ વખત સાંસદ રહેલા નેતાઓને ફરી ટિકિટ મળવાની સંભાવના નહીંવત છે. તો 65 વર્ષથી વધુ ઉંમરના સાંસદોની પણ ટિકિટ કપાઈ શકે છે. જો આ બે માપદંડો ધ્યાનમાં લેવાય તો 20 સાંસદની ટિકિટ કપાઈ શકે છે. 


ગુજરાતમાં નવાજૂનીના એંધાણ?


  • ભાજપ આ વખતે 26માંથી 26 સાંસદોને રિપિટ કરવાના મૂડમાં નથી

  • કેટલાક સાંસદોના પત્તાં આ વખતે કપાઈ શકે છે

  • 3 વખત સાંસદ રહેલા નેતાઓને ફરી ટિકિટ મળવાની સંભાવના નહીંવત

  • 65 વર્ષથી વધુ ઉંમરના સાંસદોની પણ ટિકિટ કપાઈ શકે છે

  • 2 માપદંડો ધ્યાનમાં લેવાય તો 20 સાંસદની ટિકિટ કપાઈ શકે છે


દેશની સંસદમાં થોડા સમય પહેલા જ 33 ટકા મહિલા અનામત બીલને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ બીલની અમલદારી ભાજપ ગુજરાતમાંથી જ કરવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. ભાજપ આ વખતે ગુજરાતમાંથી 9 મહિલાને ટિકિટ આપી શકે છે. જો આ શક્ય બન્યું તો ફરી એકવાર પ્રધાનમંત્રીના ગૃહરાજ્યમાંથી નવો ઈતિહાસ લખાશે. 


ગુજરાતમાં માત્ર ગાંધીનગર સિવાય કઈ બેઠક પરથી કયા ઉમેદવાર હશે તે કંઈ જ કહી શકાય તેમ નથી. અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે નક્કી છે. બીજી તરફ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા મોટા નેતાઓને ભાજપ આ વખતે લોકસભા લડાવે તેવી સંભાવના છે. જેમાં પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. જેમાં ઘણું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 


મહિલાઓને મળશે પ્રાધાન્ય!


  • ભાજપ આ વખતે ગુજરાતમાંથી 9 મહિલાને ટિકિટ આપી શકે છે

  • ફરી એકવાર પ્રધાનમંત્રીના ગૃહરાજ્યમાંથી નવો ઈતિહાસ લખાશે


ભાજપની નવી રણનીતિ!


  • રાજ્યસભામાંથી નિવૃત્ત થતાં નેતાઓને ભાજપ લોકસભા લડાવે તેવી સંભાવના

  • પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા લડી શકે છે લોકસભા ચૂંટણી

  • ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે


ભાજપ ઉંમર અને ત્રણ ટર્મનો માપદંડ અમલમાં મુકે તેવી સંભાવના છે. તો ગુજરાતમાં હાલ જે સાંસદો છે તેમની ઉંમર અને કેટલી વખતથી તેઓ સાંસદ છે તેના પર નજર નાંખીએ....


ઉંમર અને લોકસભાની મુદત અનુસાર ગુજરાતના ભાજપના વર્તમાન સાંસદોની સ્થિતિ


અનુક્રમ નંબર નામ ઉંમર લોકસભા બેઠક કેટલી વખત સાંસદ?
1 વિનોદ ચાવડા 44 કચ્છ બે વાર
2 પરબત ભાઈ પટેલ 75 બનાસકાંઠા એકવાર
3 ભરતસિંહ ડાભી 68 પાટણ એકવાર
4 શારદાબેન પટેલ 75 મહેસાણા એકવાર
5 દીપસિંહ રાઠોડ 71 સાબરકાંઠા બે વાર
6 અમિત શાહ 59 ગાંધીનગર એકવાર
7 હસમુખ ભાઈ પટેલ 63 અમદાવાદ પૂર્વ એકવાર
8 કિરીટ ભાઈ સોલંકી 73 અમદાવાદ પશ્ચિમ ત્રણ વખત
9 મહેન્દ્રકુમાર મુંજપુરા ડો 55 સુરેન્દ્ર નગર એકવાર
10 મોહનભાઈ કુંડારીયા 71 રાજકોટ બે વાર
11 રમેશ ભાઈ ધડુક 61 પારબંદર એકવાર
12 પુનમબેન મેડમ 49 જામનગર બે વાર
13 રાજેશ ચુડાસમા 41 જુનાગઢ બે વાર
14 નારણભાઈ કાછડીયા 68 અમરેલી ત્રણ વખત
15 ડો.ભારતીબેન શિયાળ 59 ભાવનગર બે વાર
16 મિતેશભાઈ પટેલ 58 આણંદ એકવાર
17 દેવુસિંહ ચૌહાણ 59 ખેડા બે વાર
18 રતનસિંહ રાઠોડ 68 પંચમહાલ એકવાર
19 જશવંતસિંહ ભાભર 57 દાહોદ બે વાર
20 રંજનબેન ભટ્ટ 61 વડોદરા બે વાર
21 ગીતાબેન રાઠવા 56 છોટા ઉદેપુર એકવાર
22 મનસુખ વસાવા 66 ભરૂચ છ વખત
23 પ્રભુભાઈ વસાવા 53 બારડોલી બે વાર
24 દર્શના જરદોશ 63 સુરત ત્રણ વખત
25 ચંદ્રકાંત રઘુનાથ ભાઈ પાટીલ (સી.આર. પાટીલ) 68 નવસારી ત્રણ વખત
26 ડો.કે.સી.પટેલ 75 વલસાડ બે વાર

ભાજપ જો ઉંમર અને ત્રણ ટર્મવાળો માપદંડ ધ્યાનમાં લે તો ઘણા નેતાઓએ ઘરે બેસવાનો વારો આવે. પરંતુ ભાજપ એક એવી રાજકીય પાર્ટી છે તે ક્યારે શું કરે તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી. છેલ્લા ટાઈમ સુધી પત્તા ખોલતી નથી. ત્યારે જોવાનું રહેશે કે 2024માં ભાજપના ચિરાગમાંથી કયો જીન નીકળે છે?