ગુજરાતમાં વરસાદે પણ લીધી રવિવારની રજા! આ વર્ષે અડધા અષાઢમાં જ વરસી ગયું અડધું ચોમાસું
Gujarat Monsoon 2022: અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશ ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેણા કારણે ડિપ્રેશનની અસરથી માત્ર સૌરાષ્ટ્રમાંજ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હા... હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જાહેર કરી છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે અડધા અષાઢમાં જ અડધું ચોમાસું વરસી ગયું છે. પરંતુ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટી ગયું છે. આદે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 8. મિ.મી વરસાદ નોંધાયો છે. એટલે એવું કહી શકાય કે મેઘરાજાએ પણ રવિવારની રજા લીધી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ 7 જુલાઈ પછી પડેલા વરસાદે રાજ્યભરમાં 56 લોકોના જીવ લીધા છે, જ્યારે 748 પશુઓનાં મોત સરકારી ચોપડે નોંધાયા છે. પરંતુ આજે હાલ પુરતો વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યભરમાં આગામી 24 કલાકમાં વરસાદનું જોર ઘટશે અને તે પ્રમાણે રાજ્યભરમાં નહીવત વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રેડ અલર્ટ નથી.
અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશ ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેણા કારણે ડિપ્રેશનની અસરથી માત્ર સૌરાષ્ટ્રમાંજ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હા... હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જાહેર કરી છે. ગુજરાતમાં 10 દિવસ વરસાદથી 56 લોકોની જિંદગી વરસાદે હણી લીધી છે, જ્યારે ભારે વરસાદના કારણે 748 પશુઓના મોત થયા છે.
મહત્વનું છે કે, છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના નદી પટ્ટાના ગામો પ્રભાવિત થયા છે. ધોધમાર વરસાદ બાદ નદી કિનારાના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ત્યારે વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે. 150થી વધુ હેક્ટરમાં નદીના પાણી ભરવાની સાથે પાક ધોવાઈ ગયા છે. જેમાં શેરડી, ડાંગર જેવા પાક તો સંપુર્ણપણે ધોવાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
એટલું જ નહીં પણ નદી કિનારે રહેતા લોકોના ઘરો પણ તણાઈ ગયા છે. પાણીના પ્રવાહમાં ઘર તણાતા લોકો બેઘર બન્યા છે. એક તરફ ખેતરનો પાક નિષ્ફળ ગયો અને બીજી તરફ ઘરોને પણ નુકસાન થતાં ખેડૂતોને ચોંધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે આ સ્થિતિમાં સરકાર તેમની મદદ કરે તેવી માંગ છે.
નોંધનીય છે કે, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે ભાદર-2, મીણસાર, ભૂખી, ઓઝત સહિતના ડેમો ઓવરફ્લો થવાથી તેના પાણી ઘેડ પંથકના ગામોમા ફરી વળ્યા હતા. સાથે જ ખેતરોમાં પણ સરોવરમાં ફેરવાઈ ગયા છે. ખેતરને જોડતા માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઝી 24 કલાકની ટીમ ઘેડ પંથકના ચિકાસા ગામે પહોંચી હતી અને ત્યાં સુધીનો તાગ મેળવ્યો હતો. ચિકાસા ગામના ખેતરોમાં પાણી જ પાણી હતું. ખેડૂતોનો મહામુલો મગફળી, જુવાર સહિતનો પાક નાશ પામ્યો છે. તો જે ખેડૂતોએ હજુ વાવેતર નથી કર્યું તેઓ પણ ખેતરો પાણીથી ખાલી નહીં થાય ત્યાં સુધી વાવેતર નહીં કરી શકે. જેના કારણે આગામી સમયમાં પશુઓના ઘાસચારાની મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube