ઝી ન્યૂઝ/અમદાવાદ: આજે પણ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મંગળવાર અને બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બન્ને દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસશે. આવતીકાલથી રાજ્યમાં 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. હોળીનો તહેવાર આવ્યો નથી ને, અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે રાજ્યમાં 40 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઇ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે.


સામાન્ય રીતે હોળી બાદ ગરમી શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે હોળી પહેલા જ ગરમીએ માઝા મુકી છે. ગુજરાતીઓએ હોળી પહેલા જ ગરમીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડીયે એટલે કે 16 માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ ગરમીનો પારો ફરી એકવાર ઉંચો ચડવા લાગ્યો છે. રાજસ્થાન અને ગુજરાતને એન્ટ્રી સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. 


રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં સોમવારથી ગરમીનો પારો ઉંચકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે, ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટ પર ગરમી 40 ડિગ્રીની આસપાસ પહોંચતાં લોકોએ ઉનાળો આવ્યાનો અનુભવ કર્યો હતો.


નોંધનીય છે કે, એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી બે દિવસમાં આકાશ સ્વચ્છ રહેવાથી રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન એકથી બે ડિગ્રી વધશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube