ગુજરાતમાં DGP બદલાય એ પહેલાં આ IPSને મળી શકે છે પ્રમોશન, મોટા ફેરફારો થશે
IPS Promotin In Gujarat : ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા હવે નિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે નવા ડીજીપીના નામોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે... પરંતુ આ પહેલા કેટલાક આઈપીએસને પ્રમોશન મળવાની ચર્ચા શરૂ થઈ છે
IPS Promotin In Gujarat હિતલ પારેખ/ગાંધીનગર : વર્ષ 2020ની જુલાઈએ ડીજીપી બનેલાં આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યાં પછી આગામી ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય અતુલ કરવાલ, અજય તોમર અને વિકસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે. હવે ચૂંટણીઓ પૂરી થઈ જતાં ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. આ સંજોગોમાં રાજ્યના નવા ડીજીપી કોણ હશે તેની ચર્ચા પોલીસ તંત્રમાં શરૂ થઈ છે. રાજ્યના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના છ આઈપીએસના નામ સાથે અનેક અટકળો લગાવાઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એપ્રિલમાં નિવૃત્ત થાય તે પહેલાં રાજ્યના પોલીસવડા બનશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. જેઓનું નામ પણ અગ્રેસર છે.
ગુજરાતના DGP બદલાય એ પહેલાં બદલીઓ અને પ્રમોશનની હિલચાલ ચાલી રહી છે. જેમાં 1991 બેચના શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, 1992 બેચના ડૉ.કે.એલ.એન રાવ, 1993 બેચના નીરજા ગોટરું, એચ.એન પટેલ, 1995 બેચના રાજુ ભાર્ગવ અને આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન અપાઈ શકે છે. આ નામો પ્રમોશનમાં હાલમાં મોખરે ચાલી રહ્યાં છે. સરકારે ચૂંટણી પહેલાં IPsના પ્રમોશનની હિલચાલ ધરી હતી. હવે એને પૂર્ણસ્વરૂપ આપે તો નવાઈ નહીં. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ પ્રમોશન માટે DPCની બેઠક યોજાઈ હતી. જેમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. રાજ્યના હાલના પોલીસ વડા આશિષ ભાટિયા આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં છે. જેથી તે પહેલાં જ પ્રમોશન આપી દેવાય તેવી શક્યતાઓ છે.
સંજય શ્રીવાસ્તવ નહિ તો પછી કોણ
અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પછી સિનિયર મોસ્ટ અતુલ કરવાલ છે. ૧૯૮૮ બેચના અતુલ કરવાલ હાલ કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન ઉપર છે અને એનડીઆરએફના ડીજીપી તરીકે કાર્ય૨ત છે. માર્ચ ૨૦૨૪માં પુનઃ ગુજરાત લવાય અને ડીજીપી બનાવાય છે કે કેમ તે જોવાનું રહ્યું. કરવાલ પછી ૧૯૮૯બેચના ચાર આઈપીએસ વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમ ડીજીપીની રેસમાં રહે છે. એમાંથી કોને લોટરી લાગે એ તો આગામી સમય જ બતાવશે.
જુલાઈ- ૨૦૨૫ સુધી આઈપીએસ સર્વિસમાં રહેનારાં વિવેક શ્રીવાસ્તવ હાલ દિલ્હી ખાતે આઈ.બી.ના એડિશનલ ડાયરેક્ટર છે અને ડેપ્યુટેશન ઉપર છે. આ સંજોગોમાં પોલીસ ટ્રેનિંગના ડીજીપી વિકાસ સહાય (નિવૃત્ત, જુલાઈ ૨૦૨૫) અને સુરત પોલીસ કમિશનર અજય તોમર (નિવૃત્ત. ફેબ્રુઆરી, ૨૦૨૪)ના નામ ચર્ચામાં છે. સીઆઈડીમાં કાર્યરત અનિલ પ્રથમનું નામ પણ ચર્ચાય છે જો કે તેઓ વર્ષ ૨૦૨૩ના અંત ભાગમાં નિવૃત થશે. આ સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, અજય તોમર કે વિકાસ સહાયમાંથી પસંદગી થાય તેવી વિશેષ સંભાવના જોવાઈ રહી છે.