ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તેથી 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરો
Gujarat Farmers : ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સર્વે અને સહાયના નાટક બંધ કરી ખેડૂતોને કાયદા મુજબ હક્ક આપવા માંગ કરી
અમદાવાદ :આ વર્ષે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી. જેને કારણે અનેક ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે.
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સર્વે અને સહાયના નાટક બંધ કરી ખેડૂતોને કાયદા મુજબ હક્ક આપવા માંગ કરી છે. સાથે જ 2016 ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનું પાલન કરવા પત્રમાં માંગ કરવામાં આવી. તેમણે લખ્યું કે, 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 20% વરસાદ સામાન્ય સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 40% વરસાદ ગંભીર સ્થિતિ ગણાય છે. 2016 ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 60% વરસાદ અતિ ગંભીર સ્થિતિ ગણાય છે. 160% થી વધારે વરસાદ નોંધાય તો તો સર્વે કર્યા વગર જ લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. 160% થી 291% વરસાદ નોંધાયો હોય એવા 21 તાલુકાઓ છે જે અતિ ગંભીર સ્થિતિથી પણ ઉપર છે. 120% થી 139% સુધી વરસાદ નોંધાયો હોય, ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 32 તાલુકાઓ છે. 140% થી 159% સુધી વરસાદ નોંધાયો હોય, અતિ ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 38 તાલુકાઓ છે. સરકારે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ સબ સર્વે કરાવ્યો પણ રાતી પાઇ પણ આપી નથી. તેથી સરકાર તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. પાક નુકસાની વળતર દિવાળી પહેલા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : શિવરાજના ગીતા જિહાદ નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ, કહ્યું-જ્યારે ચૂંટણી આવે ત્યારે...
તેમણે પત્રમાં કહ્યું કે, 2016 માં નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન બન્યા બાદ અછતગ્રસ્ત મેન્યુલ 2016 તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વરસાદનું વિસ્તરણ, વરસાદનો ગાળો, સરેરાશ વરસાદને ધ્યાનમાં લઈને અછત કે લિલો દુષ્કાળ કેવીરીતે જાહેર કરવામાં આવશે તેના નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એ મુજબ જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી એ રાજ્ય સરકારને અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ કરવાનો હોય છે. ત્યાર બાદ રાજ્ય સરકાર લગત તાલુકાઓને દુષ્કાળ કે લીલો દુષ્કાળ જાહેર કરતા હોય છે. દુઃખની વાત એ છે કે ગુજરાત રાજ્યમાં 21 તાલુકામાં 160% થી વધારે 291% સુધી વરસાદ નોંધાયો છે, 38 તાલુકાઓ એવા છે જ્યાં 140% થી 159 સુધી વરસાદ નોંધાયો છે અને 32 તાલુકાઓ એવા છે. જ્યાં 120% થી 139% વરસાદ નોંધાયો છે. તેમ છતાં રાજ્ય સરકારનું પેટનું પાણી પણ હલતું નથી. રાજ્યમાં કોઈપણ જિલ્લામાં કોઈપણ જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતનો અહેવાલ પણ તૈયાર કર્યો નથી કે એ બાબતે કોઈ હિલચાલ પણ કરેલી નથી તો રાજ્ય સરકાર કેવી રીતે અહેવાલ મોકલશે અને કેન્દ્ર સરકાર તેને કેવીરીતે મંજૂરી આપશે?
કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ 2016 મુજબ જ્યારે ચોમાસાની મોસમમાં જ્યાં વરસાદની સ્થિતિમાં 20% માઇન્સ કે પ્લસ (+ -) થાય તો તેને સામાન્ય સ્થિતિ ગણવામાં આવે છે જ્યારે ચોમાસાની મોસમમાં જ્યાં વરસાદની સ્થિતિમાં 40% માઇન્સ કે પ્લસ (+ -) થાય તો તેને ગંભીર સ્થિતિ ગણવામાં આવે છે જ્યારે ચોમાસાની મોસમમાં જ્યાં વરસાદની સ્થિતિમાં 60% માઇન્સ કે પ્લસ (+ -) થાય તો તેને અતિ ગંભીર સ્થિતિ ગણવામાં આવે છે. આ વ્યાખ્યા મુજબ જોઈએ તો રાજ્યમાં વરસાદની સ્થિતિ ગંભીર હોય એટલે કે 120% થી 139% સુધી વરસાદ નોંધાયો હોય એવા 32 તાલુકાઓ છે જેની યાદી નીચે મુજબ છે.
આ પણ વાંચો : રાજકોટને લાંછન લગાવતો કિસ્સો, વિદ્યાર્થીના ગુદામાં મધ લગાવી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય
120% થી 139% સુધી વરસાદ નોંધાયો હોય એવા 32 તાલુકાઓ
ચાણસ્મા - 128 %, પાટણ - 122%, સાંતલપુર - 137%, અમીરગઢ - 126%, ધાનેરા - 124%, કાંકરેજ - 128%, લાખણી - 121%, મહેમદાવાદ - 127%, આણંદ - 125%, કરજણ - 134%, પાદરા - 123%, લોધિકા - 123%, કલ્યાણપુર - 120%, મહેસાણા - 129%, વિજાપુર - 125%, ખેડબ્રહ્મા - 134%, વિજયનગર - 139%, ભિલોડા - 122%, મેઘરજ - 126%, લુણાવાડા - 120%, જૂનાગઢ ગ્રામ્ય - 124%, મેંદરડા - 122%, વંથલી - 128%, વેરાવળ - 135%, અમરેલી - 120%, બાબરા - 132%, ભાવનગર - 120%, મહુવા - 135%, ગઢડા - 126%, ચીખલી - 130%, ગણદેવી - 124%, ધરમપુર - 139% વરસાદ નોંધાયો છે .
140% થી 159% સુધી વરસાદ નોંધાયો હોય એવા 38 તાલુકાઓ
એવી જ રીતે આ વ્યાખ્યા મુજબ જોઈએ તો રાજ્યમાં વરસાદની સ્થિતિ અતિ ગંભીર હોય એટલે કે 140% થી 159% સુધી વરસાદ નોંધાયો હોય એવા 38 તાલુકાઓ છે જેની યાદી નીચે મજુબ છે રાધનપુર 155%, સિદ્ધપુર 146%, ભભોર 142%, દાંતા 146%, પાલનપુર 153%, સુઇગામ 157%, થરાદ 141%, વડગામ 148%, નડિયાદ 142%, સીંનોર 157%, મોરબી 140%, જોડિયા 143%, કુતિયાણા 157%, પોરબંદર 141%, રાણાવાવ 142%, હાંસોલ 145%, વાલિયા 152%, ગૃડેશ્વર 147%, નાંદોદ 155%, ડોળવાણ 151%, મહુવા(સુરત) 140%, સતલાસણા 145%, હિંમતનગર 143%, ઇડર 140%, પોસીના 141%, વડાલી 145%, કવાંટ 143%, સંતરામપુર 143%, માણાવદર 147%, વડીયા 148%, જલાલપોર 142%, નવસારી 149%, વાનસડાં 140%, કપરાડા 153% પાલડી 146%, ઉમરગામ 143%, વલસાડ 141%, અને વાપી 142% વરસાદ નોંધાયો છે
160% થી લઈને 291% સુધી વરસાદ નોંધાયો હોય એવા 21 તાલુકાઓ
આ વ્યાખ્યા મુજબ જોઈએ તો રાજ્યમાં વરસાદની સ્થિતિ અતિમાં અતિ ગંભીર હોય એટલે કે 160% વધારે વરસાદ નોંધાયો હોય જે અતિ ગંભીર પરિસ્થિતિ કરતા પણ વધારે ગંભીર હોય કેન્દ્ર સરકારે પણ કલ્પના ન કરી હોય એટલો વધારે વરસાદ 160% થી લઈને 291% સુધી વરસાદ નોંધાયો હોય એવા 21 તાલુકાઓ છે જેની યાદી નીચે મજુબ છે. અબડાસા 200%, અંજાર 184%, ભુજ 291%, લખપત 284%, માંડવી 199%, મુન્દ્રા 196%, નખત્રાણા 185%, દાંતીવાડા 165%, ડીસા 164%, દિયોદર 175%, દ્વારકા 162%, ખંભાળીયા 162%, અંકલેશ્વર 162%, ડેડીયાપાડા 179%, સાગબારા 177%, ટીલકવાળા 160%, પલસાણા 166%, જાંબુઘોડા 165%, કોડીનાર 160%, સુત્રાપાડા 220%, ખેરગામ 161%
આ પણ વાંચો : ગુજરાતમાં દિવાળી ઉજવશે અમિત શાહ, મિશન 182 ને સાકાર કરવા ખુદ રણ મેદાનમાં ઉતરશે
પાલ આંબલિયાએ પત્રમાં કહ્યું કે, રાજ્યમાં કલ્પના બહાર વરસાદ નોંધાય અને રાજ્ય સરકાર એક અહેવાલ પણ તૈયાર ન કરી શકે તો ખેડૂતો પ્રત્યે સરકાર કેટલી સંવેદનશીલ છે તેની કલ્પના ખેડૂતોએ પોતે જ કરવાની રહે તેવું ખેડૂતો જાતે માની લ્યે તો પણ કોઈ ખોટું નથી કહેવાતી ડબલ ઈંજીન ની સરકાર જો ખેડૂતોને 291% વરસાદ પડે પણ એક નૈયો પૈસો પણ સહાય ન કરે તો એવી ડબલ એન્જિનની સરકાર ખેડૂતો માટે શું કામની? ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા નમ્ર અનુરોધ સાથે વિનંતી છે કે સરકાર દ્વારા પાક નુકશાનીનું જે સર્વે જુલાઈ મહિનાના અંતમાં, ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં કરાવવામાં આવ્યું છે તેની સહાય વળતરની પણ હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ સર્વેમાં તાલુકાઓની પાંસદગી કરવમાં પણ રાજકીય રીતે વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. જ્યાં વરસાદ ઓછો નોંધાયો છે તેવા જિલ્લાના તાલુકાઓને પસંદ કરવામાં આવ્યા છે. જયારે જ્યાં વધારે વરસાદ નોંધાયો છે એવા તાલુકાઓને બાકાત રાખવામાં આવ્યા છે. 91 તાલુકાઓમાં તાત્કાલિક સર્વે કરાવવામાં આવે, તેમનો અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારને અહેવાલ મોકલી લીલો દુષ્કાળ આ તાલુકાઓમાં જાહેર કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકારમાં માંગ મુકવામાં આવે અને જો કેન્દ્ર સરકાર ના પાડે તો તાત્કાલિક ગુજરાત સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ એવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગણી અને લાગણી છે.