ગુજરાત એ ભાજપનો ગઢ છે અને પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. પરંતુ હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપ માટે મોટી ચિંતા કહી શકાય કારણ કે હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ભાજપ મજબૂત સીટ એવી રાજકોટ બેઠકથી લોકસભાથી ચૂંટણી લડાવી રહ્યો છે પરંતુ તેમના એક નિવેદન બાદ જે રીતે ગુજરાતનો રાજપૂત સમાજ ભડકેલો છે તે જોતા સ્થિતિ ઉકળેલા ચરુ જેવી બનેલી છે. એમા પણ હવે પાછું ક્ષત્રાણીઓએ મોટી ચીમકી આપી દીધી છે. 


ક્ષત્રાણીઓનો ગુસ્સો આસમાને
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પોતાના આ નિવેદન બદલ માફી પણ માંગી પરંતુ આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ક્ષત્રિયોને વિનંતી કરીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. પરંતુ આમ છતાં ક્ષત્રિયોનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. હવે આ સમગ્ર મામલે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે અમારી માંગણી છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ સાથે અલ્ટીમેટમ આપતા એમ પણ કહ્યું કે જો 48 કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે. એટલું જ નહીં કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ અને કાર્યકરી અધ્યક્ષે પણ જૌહર કરવાની વાત કરી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube