ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સતત લોકોના મોત થઈ રહ્યાં છે. નવરાત્રિ આસપાસ આ કિસ્સાઓમાં ખુબ વઘારો થયો હતો. હવે તો સાવ નાની ઉંમરનાને પણ હાર્ટ એટેક આવે છે અને તેમનું પણ મોત થવાના કેસો વધ્યાં છે.  ત્યારે થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે પોલીસ જવાનોને સીપીઆરની ટ્રેનિંગ આપી હતી. જોકે, હવે હાર્ટ એટેકના વધતા કેસોને રોકવા રાજ્ય સરકારે આ મામલે મોટો નિર્ણય લીધા છે. જે અંતર્ગત સરકારે હવે શિક્ષકોને પણ આ અંગેની ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના બે લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાનો નિર્ણય સરકારે લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ એટેકના વધતા જતા કેસો મુદ્દે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. ૩જી ડિસેમ્બર અને તા.૧૭મી ડિસેમ્બર-૨૦૨૩ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.


વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા. કુબેર ડિંડોરે આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકઓને પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે.


કોણ આપશે સીપીઆપની ટ્રેનિંગ?
એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં ૨ લાખથી વધારે શિક્ષકોને આ CPR ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.  આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી યોજાશે જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે.