એક જ લોકસભાથી લડવા બે પૂર્વ ગૃહ રાજ્યમંત્રીઓ આતૂર! ગુજરાત ભાજપમાં ટિકિટ માટે પડાપડી
લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. લોકસભા બેઠક દીઠ ઉમેદવારો નક્કી કરવાની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. ભાજપના પ્રભારી અને સહપ્રભારી સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. ક્લસ્ટર ઈન્ચાર્જ અને પ્રભારીઓને સેન્સ લેવા સૂચના અપાઈ છે. જેમાં બે દિવસ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને સાંભળવામાં આવશે.
Loksabha Election 2024: પ્રદેશ ભાજપની મળનારી પાર્લમેન્ટરી બેઠક અગાઉ લોકસભા સીટ દીઠ સેન્સપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે એ વાતાવરણમાં ઉમેદવારી (ટિકિટ) મેળવવા કોશિશ, દોડાદોડી, પેંતરાબાજી શરૂ થાય એ સ્વાભાવિક છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કવાયત ઝડપી કરી છે, ત્યારે અમદાવાદ, નવસારી, વલસાડ, વડોદરા, જુનાગઢ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બેઠક દીઠ ઉમેદવારો નક્કી કરવાની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ
લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. લોકસભા બેઠક દીઠ ઉમેદવારો નક્કી કરવાની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. ભાજપના પ્રભારી અને સહપ્રભારી સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. ક્લસ્ટર ઈન્ચાર્જ અને પ્રભારીઓને સેન્સ લેવા સૂચના અપાઈ છે. જેમાં બે દિવસ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને સાંભળવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયામાં સમર્થકો સાથે ભાજપના કાર્યકર્તા દાવેદારી કરવા માટે આવશે. અમદાવાદ લોકસભા બેઠક માટે સેન્સ લેવાની શરૂઆત થઈ છે. જ્યારે ગાંધીનગર લોકસભા માટે સાંજે ચાર વાગ્યે સેન્સ લેવામાં આવી. તેવી જ રીતે રાજકોટ લોકસભા બેઠક માટે સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યસભા સાંસદ મયંક નાયક રાજકોટમાં સેન્સ લેશે. સુરતમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જ્યારે વડોદરા માટે બે સેશનમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીઓએ ઝંપલાવ્યું!
અમદાવા પૂર્વ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. જેમાં અમદાવાદ પૂર્વ માટે 20થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે પૂર્વ ગૃહમંત્રીઓએ પણ ઝંપલાવ્યું છે. 2 પૂર્વ ગૃહમંત્રીઓએ પણ સમર્થકોના માધ્યમથી દાવેદારી નોંધાવી છે. પ્રદીપ સિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાએ સમર્થકોના માધ્યયમથી દાવેદારી નોંધાવી હોવાની માહિતી મળી છે. હાલના સાંસદ હસમુખ પટેલ અને પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ (દહેગામ), નિર્મલાબેન વાઘવાણી( નરોડા ), બલરામ થાવાણી(નરોડા)એ દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો ભરત બોઘરા, મંત્રી મુળુ બેરા અને સંગીતા પાટીલ સમક્ષ દાવેદારોએ દાવેદારી કરી છે. નિરીક્ષકો આવતીકાલે યોજાનારી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રિપોર્ટ રજૂ કરશે.
વલસાડમાં આ નેતાઓએ દાવેદારી કરી
વલસાડમાં પણ ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં વલસાડ અને ડાંગના સાંસદ કેસી પટેલ પણ હાજર રહ્યા હતા. તેમજ જિલ્લામાંથી મોટા નેતાઓએ પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે વાત કરીએ તો જીતુ ચૌધરી, કેસી પટેલ, ઉષા પટેલ, મહેન્દ્ર ચૌધરી, યોગેશ પટેલ, પ્રવીણ પટેલ ડૉ હેમંત પટેલ સહિતના નેતાઓએ દાવેદારી કરી છે. વલસાડ લોકસભા બેઠક માટે નિરીક્ષક તરીકે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકા સરડવા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાન સોની અને સુરત શહેર ભાજપના પૂર્વ મહામંત્રી લલિત વેકરીયાએ ટિકિટ વાંછુઓ અને સમર્થકોને સાંભળ્યા હતા. આ સાથે જ વલસાડ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણી લડવા ઇચ્છુક અગ્રણીઓ અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો.
નવસારી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નિરક્ષક તરીકે રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ, પ્રદેશ ભાજપ એસટી મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી નવસારી કમલમ કાર્યાલય ખાતે અપેક્ષિતોને સાંભળવા પહોચ્યા હતા. જેમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકના અપેક્ષિત કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી.
ભરૂચમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષકો તરીકે ભીખુસિંહ પરમાર, અસ્મિતા શિરોયા અને પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહી તમામ ટિકિટ વાંછું ઉમેદવારો સહિતના સમર્થકોને સાંભળ્યા હતા. ભાજપ દ્વારા અચાનક યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોનો ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે જમાવડો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાતમાં ભાજપે 5 લાખના માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં ગત વખતે ઓછા માર્જિનથી જીતેલી બેઠકો પર ભાજપ ઉમેદવારોની ઘોષણા કરે એવું જાણવા મળ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નેતા બીના આચાર્ય, મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણ દ્વારા ઉમેદવારો અને સમર્થકોને સાંભળવામાં આવ્યા હતા.