• 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે

  • આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનો મહાદિવસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાન (gujarat election) ની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચ મુજબ, 2255 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે 1188 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. ગુજરાતમાં આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 ચૂંટણી અધિકારીઓ સત્તાવાર મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત કરાયા છે. તો 63 હજાર 209 પોલિંગ સ્ટાફ, 32 હજાર 263 પોલીસ જવાનો ચૂંટણી કામગીરીમાં રોકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું
ગૃહમંત્રી અમિત શાહ આજે મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે અમદાવાદ આવ્યા છે. તેમણે નારણપુરામાં પોતાના વોર્ડમાં મતદાન કર્યું હતું. સમગ્ર પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બૂથથી બહાર આવ્યા બાદ તેમણે વિક્ટરી સાઈન બતાવી હતી. મતદાન વેળાએ અમિત શાહ પોતાની લાડલી પૌત્રી સાથે દેખાયા હતા. મતદાન બાદ સમગ્ર શાહ પરિવારે વિક્ટરીની સાઈન બતાવી હતી. મતદાન બાદ તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીથી શરૂ થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના શ્રીગણેશ થયા છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસયાત્રા શરૂ કરી હતી. જંગલ, પહાડી, સાગર, શહેર-ગામમાં સર્વસમાવેશી સર્વસ્પશીય વિકાસની શરૂઆત કરી. આ યાત્રા સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે. ભારતમાંથી અનેક રાજ્યો એ દિશામાં સંપૂર્ણ વિકાસ માટે આગળ વધી રહ્યાં છે. મને આશા છે કે, ભારે સંખ્યામાં ગુજરાતના મતદાતા મતદાન કરશે અને અંતે વિજય વિકાસનો જ છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપે દેશભરમાં વિજયનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે જ્યાંથી વિજયની શરૂઆત થઈ છે, તે ગુજરાતમાં ભાજપ ફરીથી વિજય મેળવશે. 


તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તો કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી બપોરે 4 વાગ્યે રાજકોટમાં મતદાન કરવા નીકળશે. કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ મતદાનના અંતિમ સમયમાં પીપીઈ કીટ પહેરીને મતદાન કરશે અને ત્યાંથી અમદાવાદ પરત ફરીને યુએન હોસ્પિટલમાં ફરી દાખલ થશે. 



ગુજરાતના દિગ્ગજો મતદાન કરશે 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતાઓ કરશે મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાના હોમટાઉન રાજકોટમાં મતદાન કરવા જશે. તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતમાં મતદાન કરશે. જીતુ વાઘાણી ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 'વડવા - અ'માં મતદાન કરશે.