ઓફિસોમાં 100 ટકા હાજરીથી રસ્તાઓ પર ફરી એ જ ભીડ જોવા મળી, ક્યાંક કોરોના ફરી ઉથલો ન મારે
- સોમવારથી માર્કેટ અને ઓફિસોમાં ફરીથી રોનક આવી છે. ઓફિસો 100 ટકા સ્ટાફની સાથે ખૂલી ગઈ
- સોમવારની આ ચહલપહલ ડરાવી દે તેવી હતી. કોરોનાની બીજી લહેરમાંથી ગુજરાત માંડ બેઠુ થયું છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સોમવારથી જનજીવન ફરીથી ધબકતુ જોવા મળ્યાં છે. અનલોક ગુજરાતમાં થોડી છૂટછાટ (Gujarat Unlock) મળતા માર્કેટમાં ફરી એ જ ચહલપહલ જોવા મળી. કોરોના વાયરસની બીજી લહેરમાં સરકારે અનેક પ્રતિબંધોમાં ઢીલ આપી છે. આ સાથે જ સોમવારથી માર્કેટ અને ઓફિસોમાં ફરીથી રોનક આવી છે. ઓફિસો 100 ટકા સ્ટાફની સાથે ખૂલી ગઈ છે. સોમવારથી કોર્ટમાં પણ કામકાજ ફરીથી શરૂ થયું છે. આ કારણે મહિનાઓ બાદ ગુજરાતના 36 શહેરોના માર્કેટમાં ભીડ જોવા મળી. રસ્તા પર લોકો જોવા મળ્યાં.
માત્ર ઓફિસો જ નહિ, સોમવારથી બીઆરટીએસ, એએમટીએસ બસો પણ દોડતી થઈ ગઈ. તમામ સરકારી, આૃર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેન્ક, ફાઈનાન્સ, ટેકનોલોજી સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સહિતની સેવાઓ, બેન્કોના ક્લિયરિંગ હાઉસો, એટીએમ, સીડીએમ રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસો (unlock Gujarat) માં તા. 7થી 100 ટકા કર્મચારીઓ સાથે ફરીથી કાર્યરત થઈ છે. આવામાં રસ્તા પર સોમવારે ભારે ચહલપહલ જોવા મળી.
પણ સોમવારની આ ચહલપહલ ડરાવી દે તેવી હતી. કોરોનાની બીજી લહેરમાંથી ગુજરાત માંડ બેઠુ થયું છે. સોમવારે 700 જેટલા કેસ નોંધાયા છે. માર્ચ મહિના બાદ કેસોનો આ આંકડો લાવતા નાકે દમ આવી ગયો છે. આવામાં જો ફરીથી ચહલપહલ વધવાથી કેસો વધે તો પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાશે.
સોમવારે ઓફિસો ખૂલતા ટ્રાફિકની પણ એ જ રામાયણ ફરીથી શરૂ થઈ. રસ્તાઓ પર અવરજવર વધી ગઈ. આવામાં જો લોકો કોરોનાની નિયમોનું પાલન નહિ કરે તો કેસો વધી શકે છે. કોરોના ફરી ઉથલો મારી શકે છે.
સોમવારથી ગુજરાતમાં તમામ વેપાર ધંધા સવારે 9 વાગ્યાથી લઈને સંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તો સાથે જ રેસ્ટોરન્ટ્સ હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હવે હોમ ડિલિવરી આપી શકશે.