Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યાં માલધારી સમાજે ભાજપ સામે બાંયો ચઢાવી છે. માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, અને ભાજપ વિરોધી મતદાન કરવાની જાહેરાત કરી છે. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જાહેરાત કરી કે, આ વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજ ભાજપ વિરોધમાં મતદાન કરશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યું કે, માલધારી સમાજના પડતર પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગયું છે. આવનારા સમયમાં માલધારી સમાજની અવગણના ન થાય તેમજ સમાજના જુના પ્રશ્નો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ છે. માલધારી વસાહતો બનાવવાની અમારી માંગ પણ પૂર્ણ નથી કરાઈ. શરમમાં આવી માલધારી મત બગાડશે તો આવનારી પેઢી માફ નહિ કરે. આ સાથે નાગજી દેસાઈએ ભાજપ વિરોધી મતદાન કરી સરકારની સાન ઠેકાણે લાવવા સમાજને આહવાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે,  અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.



ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રખડતા ઢોર નિયંત્રણ વિધેયકને લઈને માલધારીઓ પહેલેથી જ આક્રમક મોડમાં છે. આ મુદ્દે સરકાર અને માલધારીઓ સામસામે આવી ગયા હતા. જેના બાદ માલધારીઓએ આંદોલન છેડ્યુ હતું. ત્યારે પોતાના સમાજની માંગણીઓ પૂરી ન થતા માલધારી સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. જેના બાદ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સમાજ દ્વારા એક થઈને સૂચનો મંગાવવામા આવ્યા હતા, જેના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


નાગજી દેસાઈએ કહ્યું કે, સિનીયર આગેવાનો સાથે ચર્ચાવિચારણા કરીને અમે નિર્ણય લીધો છે. ભૂતકાળમાં અમને હેરાન પરેશાન કરવામા આવ્યા. છેલ્લા દોઢ વર્ષમાં માલધારી સમાજની રોજગારી છીનવાઈ ગઈ. જે રીતે ભવિષ્યમાં લાગી છે કે ચૂંટણી બાદ પણ અમારી હાલત ખરાબ થશે. તેથી માલધારી સમાજે નિર્ણય કર્યો કે વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું. જેથી તેમની શાન ઠેકાણે આવે. દેશમાં મોટી સંખ્યામાં માલધારીઓ વસે છે, પરંતુ આપણો મત જ આપણને અધિકાર અપાવી શકે છે. તે આવનાર ચૂંટણીમાં અમે બતાવી દઈશું. અમારી સાથે જે રમતો રમાઈ તે અમે ભૂલ્યા નથી.