ક્યારેક એક નામ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે અને હેરાન પરેશાન કરે તે સમજવું હોય તો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરીવાળા ગામ લાંઘણજના લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે તે જાણવા જેવું છે. ટેક્નોલોજીનો ઉપયોગ એ મુશ્કેલીઓ ઘટાડવા માટે થતો હોય છે પરંતુ આ ગામની સમસ્યાના ઊંડાણમાં ઉતરીએ તો તેના કારણે ગામનું નામ બદલાઈ ગયું અને તેને પરિણામે ગામવાળા અત્યારે એટલા હેરાન પરેશાન થઈ રહયા છે કે તેઓએ ગામના જમાઈ સીએમ ભૂપેન્દ્ર પટેલને તેના વિશે લેખિત રજૂઆત સુદ્ધા કરી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ ભૂપેન્દ્ર પટેલના સાસરીનું ગામ
મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામે સીએમ ભૂપેન્દ્ર પટેલનું સાસરિયું છે. એટલે કે તેમના લગ્ન આ ગામમાં થયા છે. હવે લાંઘણજ ગામના લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની ગામનું નામ બદલવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે ગામના નામના કારણે તેમને અનેક હાલાકી ભોગવવી પડી રહી છે. 


આખરે મામલો શું છે?
હવે તમને પણ એમ થતું હશે કે ગામના આ નામમાં એવી તે શું સમસ્યા આવતી હશે કે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે? તો તમને જણાવી દઈએ કે જે લોચો પડી રહ્યો છે તે ગામના નામમાં જે 'ઘ' આવે છે તેના કારણે છે. ગામના નામ લાંઘણજમાં વર્ષોથી 'ઘ' અક્ષરનો જ ઉપયોગ થાય છે. પરંતુ હવે તેની જગ્યાએ સરકારી પત્રાચાર, દસ્તાવેજોમાં 'ગ' નો ઉપયોગ કરવામાં આવતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. વહીવટી વિભાગમાં આ રીતે ગામના નામમાં ફેરફારના કારણે સ્થાનિકો હેરાનગતિ ભોગવી રહ્યા છે કારણ કે ગામનું નામ ચોપડે બે રીતે જોવા મળી રહ્યું છે એક તો જે સાચું નામ છે તે લાંઘણજ અને બીજુ લાંગણજ. 


ફેરફાર માટે રજૂઆત
ગામના સ્થાનિકોએ આ અંગે જિલ્લા કલેક્ટર અને ગામના જમાઈ એવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી છે. તેમની વિનંતી છે કે આ ગામના નામની જોડણીમાં ફેરફારના કારણે જે હેરાનગતિ થઈ રહી છે તો તે સુધારી આપો. તમને કદાચ એમ થતું હશે કે આખરે 'ગ' હોય કે 'ઘ' હોય શું ફરક પડે તો તમારે એ પણ જાણવું જોઈએ કે સ્થાનિકોને આ અંગે પરેશાની કેમ થઈ રહી છે. 


હેરાનગતિનું કારણ
એક ઘ અને ગ અક્ષરની અદલાબદલીના કારણે સ્થાનિકો જે પરેશાની ભોગવી રહ્યા છે તેનું મૂળ સમજીએ. વાસ્તવમાં તો લાંઘણજ ગામના નામમાં વર્ષોથી ચોપડે અને વ્યવહારમાં ઘ અક્ષરનો જ ઉપયોગ થતો હતો અને હજુ પણ સ્થાનિકોના દસ્તાવેજોમાં તે જ રીતે નામ છે. પરંતુ હવે ઘણા સરકારી દસ્તાવેજોમાં 'ઘ'ની જગ્યાએ 'ગ' લખાઈ રહ્યું છે. સ્થાનિકોનું એવું માનવું છે કે સરકારી સિસ્ટમમાં ડિજિટલાઈઝેશન થયા બાદ કદાચ આ સમસ્યા થઈ કારણ કે ભૂલથી કોઈના દ્વારા લાંઘણજની જગ્યાએ લાંગણજ લખાઈ ગયું હોય. અનેક રજૂઆત છતાં હજું સુધી આ સમસ્યાનો નીવેડો આવી શક્યો નથી. 


હવે આ એક અક્ષરની હેરફેર લોકોને કેવી મુસીબતોનો સામનો કરાવે તે પણ સમજવા જેવું છે. જો કોઈએ વિદેશ જવું હોય, 7-12નો ઉતારો લેવો હોય, વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લેવી હોય ત્યારે સમસ્યા આવતી હોય છે. વીમા કંપનીઓ પણ ઘણીવાર સવાલ ઊભો કરતી હોય છે. ત્યારે હવે ગામવાળા પોતાના જમાઈશ્રીને આ સમસ્યાની રજૂઆત કરીને જલદી ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યા છે.