સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઉપર નિશાન સાધ્યું છે. જીસીએએસ પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે.
ઝી બ્યુરો/સુરત: સુરતના વરાછાના ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને વધુ એક પત્ર લખ્યો છે જેમાં VNSGUની UG પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પક્રિયાાં લોકો હેરાન થઈ રહ્યા છે. તેવી વાત સાથે તેમણે પત્ર લખ્યો છે. તો બીજી તરફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ મનમાની કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
જીકાસ પોર્ટલ પરથી ચાલી રહેલી સેન્ટ્રલ પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને કરી છે. ખાનગી કોલેજો દ્વારા નિયત બેઠક કરતા વધુ ઓફર લેટરો આપી મેરિટ વિના વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ડીઆરબી કોલેજમાં 600 બેઠક સામે 5000 જેટલા ઓફર લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી 97 વિદ્યાર્થીઓને મેરિટ વિના વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપી દીધો. આ તમામ પ્રવેશ કેન્સલ કરાવવા માટે યુનિવર્સિટીએ જીકાસને પત્ર લખ્યો છે.
જોકે આવી જ સ્થિતિ અન્ય તમામ ખાનગી કોલેજોની પણ છે. જ્યા બેઠકો કરતા વધુ ઓફર લેટર અપાયા છે, પરંતુ વિવાદ માત્ર ડીઆરબીનો થયો હોવાથી યુનિવર્સિટીએ એક જ કમિટી એક જ કોલેજની તપાસ માટે બનાવી અન્ય કોલેજમાં ગેરરીતિ થઈ છે કે નહીં તે તપાસવા કરવાની તસ્દી જ લીધી નથી. આમ, આ આખી પ્રવેશ પ્રક્રિયામાં વીર નર્મદ યુનિવર્સિટીની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કુમાર કાનાણીએ કરેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, ખાનગી કોલેજોમાં વચેટિયા ઊભા કરીને નાણાં પડાવાયાં છે.