અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં નવા ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકરે પોતાનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ જાગૃત કરતી અનોખી પહેલ કરી છૅ. ધારાસભ્યએ પોતાનું સન્માન કરવા આવતા લોકો ફૂલ હાર, બુકે કે સાલની જગ્યાએ નોટ બુક, પેન, પેન્સિલ થકી ધારાસભ્યનું સન્માન કરે તેવું આહવાન કરતા અનેક લોકો ધારાસભ્યને સન્માનિત કરવા નોટો, પેન્સિલ સહિતની વસ્તુઓ લાવી રહ્યા છે. જે તમામ વસ્તુઓ ધારાસભ્ય ગરીબ વિધાર્થીઓને આપીને તેમની મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે ઊંચું પદ કે હોદ્દો ધારણ કરનાર કે કોઈ જીત હાંસલ કરનારા લોકોનું સન્માન તેમના સમર્થકો ફુલહાર, બુકે કે સાલ ઓઢાડી કરતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નવા ચૂંટાઈ આવેલા ભાજપના  ધારાસભ્ય અનિકેત ઠાકરે પોતાના સન્માનમાં નવી પહેલ કરી છે અને ધારાસભ્ય અનિકેત ઠાકરનું સન્માન કરવા આવતા તેમના સમર્થકો કે શુભેચ્છકો ફૂલહાર કે સાલની જગ્યાએ નોટ, ચોપડા, પેન પેન્સિલ જેવી ચીજ વસ્તુઓ થકી તેમનું સન્માન કરે તેવું આહવાન કર્યું છે.


જોકે ધારાસભ્યએ લોકોને આહવાન કરતી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ફક્ત પાલનપુર જ નહીં, પરંતુ સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.


પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, મારૂ સન્માન કરવા આવતા લોકો ફૂલ હાર કે બુકે લઈને આવતા પરંતુ આ ફૂલ હાર વેસ્ટ જતા હતા, જેને લઈ મેં મારૂ સન્માનમાં આવતી ચીજ વસ્તુઓ કોઈને કામ લાગે તેવો વિચાર કરી મારૂ સન્માન નોટ બુક, પેન કે પેન્સિલથી થાય તેવું લોકોને આહવાન કર્યું અને લોકોએ મારાં આહવાનને ઉપાડી લીધું.


ધારાસભ્ય અનિકેત ઠાકર તેમના સન્માનમાં મળેલ પેન, નોટબુકો, સહિતનો અભ્યાસની ચીજવસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને આપવાની વાત કરતા અનેક લોકો ધારાસભ્યને સન્માનવા ફક્ત નોટબુક, પેન્સિલ સહિતની સામગ્રીઓ આપી રહ્યા છે અને ધારાસભ્યના આ નવીન પહેલને બિરદાવી રહ્યા છે.