ગુજરાતીઓને ભણવામાં રસ નથી, આ અમે નહિ આંકડા કહે છે! પ્રવેશોત્સવ બાદ પણ ન સુધર્યો ડ્રોપ આઉટ રેશિયો
school dropout rate in gujarat : મોડલ સ્ટેટ ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? પ્રવેશોત્સવ પછી પણ કેમ ઘટ્યા વિદ્યાર્થીઓ? સરકારે જાહેર કર્યા ડ્રોપ આઉટ રેશિયોના આંકડા... ચોંકવનારા આંકડાથી કોંગ્રેસના સરકાર પર આક્ષેપ... ભાજપે કહ્યું, `કોંગ્રેસ શાસન કરતાં ઓછો છે રેશિયો`
Gujarat Model Fail : ગુજરાતની ગણતરી દેશના મોડલ સ્ટેટમાં થાય છે. ગુજરાતના નેતાઓ ઢોલ વગાડીને દેશમાં ગુજરાત મોડલની વાહવાહી કરે છે. પણ ગુજરાતમાં સ્થિતિ કેવી વિકટ છે તે આંકડા પરથી સમજી શકાય છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે અને બાળકો શાળામાં આવે તે માટે પ્રવેશોત્સવ કરવામાં આવે છે. પરંતુ 21 જેટલા પ્રવેશોત્સવ બાદ પણ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો નથી સુધર્યો. શિક્ષણ વિભાગના અનેક તાયફા પછી પણ બાળકો શાળામાં નથી આવતા. ત્યારે જુઓ ગુજરાતમાં કથળેલા શિક્ષણના સ્તરનો આ ખાસ અહેવાલ.
- ગુજરાતમાં શિક્ષણનું કથળ્યું સ્તર!
- અનેક તાયફા પછી પણ નથી સુધરતી સ્થિતિ
- પ્રવેશોત્સવ પછી પણ બાળકો નથી લેતા પ્રવેશ
- કેમ શિક્ષણમાં નથી ઘટતો ડ્રોપ આઉટ રેશિયો?
- શિક્ષણ મંત્રી તમારા વિભાગમાં શું થઈ રહ્યું છે?
- મોડલ સ્ટેટ ગુજરાતની આવી દશા કેમ?
ગુજરાતની ગણતરી દેશના સૌથી વિકસિત અને મોડલ સ્ટેટમાં થાય છે. ગુજરાત મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવાની વાતો પણ થાય છે. પણ આ જ ગુજરાતમાં શિક્ષણની કેવી દશા અને દિશા છે તે ડ્રોપ આઉટ રેશિયો પરથી જ ખબર પડી શકે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ વિવિધ શાળામાં પહોંચી બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે. અત્યાર સુધી ગુજરાતમાં આવા 21 જેટલા પ્રવેશોત્સવ થઈ ગયા. પણ ડ્રોપ આઉટ રેશિયો હજુ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. અનેક તાયફા, વચનો અને સુવિધાઓ છતાં પણ આ વખતે ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. અને આ રેશિયો કંઈ ધોરણ એક કે બે નહીં પણ ધોરણ 9 અને 10માં જોવા મળ્યો છે.
શું છે શિક્ષણ વિભાગના આંકડા?
- ધોરણ-1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- ધોરણ-6થી 8માં 2.98 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- ધોરણ-11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ રેશિયો
- સૌથી વધુ દ્વારકા જિલ્લામાં 35.45 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- સૌથી ઓછો 8.53 ટકા RMCની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો
સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો દ્વારકા જિલ્લામાં
શિક્ષણ વિભાગે જ આપેલા આંકડા પરથી ખબર પડે છે કે તેમના વિભાગમાં કેવું કામ થઈ રહ્યું છે...જે શિક્ષણ કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો ભાગ ભજવે છે તે શિક્ષણમાં જ ગતિશિલ ગુજરાત કેટલું પાછળ છે તે આંકડા કહી રહ્યા છે. વાતો તો બહુ મોટી મોટી ગુજરાતમાં થાય છે પણ જમીનીસ્તર પર કામ ભ્રષ્ટ શાસકો અને જાડી ચામડીના અધિકારીઓ નથી કરતાં. સૌથી પહેલા તો તમે ડ્રોપ આઉટ રેશિયોના શિક્ષણ વિભાગના આ આંકડા જોઈ લો. ગુજરાતમાં ધોરણ-1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ રેશિયો, ધોરણ-6થી 8માં 2.98 ટકા અને ધોરણ-11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ રેશિયો છે. સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો દ્વારકા જિલ્લામાં 35.45 ટકા જ્યારે સૌથી ઓછો 8.53 ટકા રાજકોટ કોર્પોરેશનની શાળામાં નોંધાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે કબૂલાત કરી છે કે ગુજરાતમાં ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે. આ બાળકોના સરવે માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદેશી એક પરિપત્ર જારી કરાયો છે.
શિક્ષણ વિભાગના જે આંકડા સામે આવ્યા છે તે ઘણાં ચોંકાવનારા પણ છે. કારણ કે ડ્રોપ આઉટ રેશિયોમાં છોકરા કરતાં છોકરીઓનું પ્રમાણ વધું છે. ધોરણ-9-10માં છોકરાઓનો ડ્રોપ આઉટ રેશિયો 24.98 ટકા છે. જ્યારે છોકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો 21.24 ટકા છે. ધોરણ-11-12માં છોકરાનો ડ્રોપ આઉટ રેશિયો 7.09 અને છોકરીઓનો 5.13 ટકા છે...આ આંકડા પર કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે.
કોનો ડ્રોપ આઉટ રેશિયો વધારે?
- ધોરણ-9-10માં છોકરાઓનો 24.98 ટકા
- ધોરણ-9-10માં છોકરીઓનો 21.24 ટકા
- ધોરણ-11-12માં છોકરાનો 7.09 ટકા
- ધોરણ-11-12માં છોકરીઓનો 5.13 ટકા
ગુજરાતનું સૌથી સમૃદ્ધ અને સૌથી મોટા મહાનગર અમદાવાદની સ્થિતિ તો વધારે વિકટ છે. અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપઆઉટ છે. અમદાવાદ જિલ્લાના ડ્રોપ આઉટ રેશિયા પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી 5માં 1.06 ટકા, ધોરણ-6થી 8માં 1.34 ટકા, ધોરણ-9-10માં 22.44 ટકા અને ધોરણ-11-12માં 2.25 ટકા નોંધાયો છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં ધોરણ-1થી 5માં 0.75 ટકા, ધોરણ-6થી 8માં 3.04 ટકા, ધોરણ-9-10માં 18.68 ટકા અને ધોરણ-11-12માં 2.73 ટકા નોંધાયો છે. ચિંતાજનક આંકડા પર ભાજપે બચાવ કરતાં કહ્યું કે, કોંગ્રેસ કરતાં ભાજપના શાસનમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.
શું છે અમદાવાદની સ્થિતિ?
- ધોરણ-1થી 5માં 1.06 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- ધોરણ-6થી 8માં 1.34 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- ધોરણ-9-10માં 22.44 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- ધોરણ-11-12માં 2.25 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- AMCમાં ધોરણ-1થી 5માં 0.75 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- AMCમાં ધોરણ-6થી 8માં 3.04 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- AMCમાં ધોરણ-9-10માં 18.68 ટકા ડ્રોપ આઉટ રેશિયો
- AMCમાં ધોરણ-11-12માં 2.73 ટકા ડ્રોપ આઉટ રેશિયો
ચોંકાવી દે તેવા આ આંકડા પર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, તમામ બાળકો ધોરણ 12 સુધી અભ્યાસ કરે તે જવાબદારી સરકારની છે, સાથે જ પ્રાથમિક શાળામાં ચાલતા ભૂતિયા નામ અને વાલીઓની જિલ્લા ફેરબદલી પણ ડ્રોપઆઉટ રેશિયો વધવાના કારણો છે.
ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે પરંતુ આ ખર્ચનું કોઈ પરિણામ મળતું હોય તેમ લાગતું નથી. રેશિયો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે પણ શિક્ષણ વિભાગમાં હાથમાં હાથ નાંખીને બેસી રહ્યું છે. જો આવું જ ચાલતું રહ્યું તો ગુજરાત દેશમાં ઘણુ પાછળ ધકેલાઈ જશે...અને તેનાથી નુકસાન આપણા દેશને થશે...તેથી શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગે અને શાળાઓની જે જરૂરિયાત છે તે પુરી કરે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે દિશામાં કોઈ નક્કર કામ કરે તે જરૂરી છે.