Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસેલા માવઠાએ ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે પવન સાથે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન ધરતીપુત્રોનું થયું છે. પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે જુઓ અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વરસાદ ચોમાસામાં આવે તો સારુ લાગે. પરંતુ આ જ વરસાદ જો કમોસમી આવે તો તે આફત લઈને આવતો હોય છે. તેની સાક્ષી આ ત્રણ દ્રશ્યો પુરી રહ્યા છે. અન્નદાતા માટે આફત બનીને વરસેલા આ વરસાદે મોટા પાયે નુકસાની વેરી છે. પહેલા દ્રશ્યો ભાવનગર જિલ્લાના છે, જ્યાં વરસાદને કારણે આંબા પર તૈયાર કેરીઓ બગડી ગઈ અનેક કેરીઓ જમીન પર પડી ગઈ. તો બોટાદમાં ચીકુ, પપૈયા સહિતના બાગાયતી પાકને મોટા પાયે નુકસાન થયું. પપૈયાના વૃક્ષો ભારે પવનથી જમીનદોસ્ત થઈ ગયા, તો સુરતમાં ડાંગરનો તૈયાર પાક પલળી જતાં ખેડૂતોએ હવે તેનું શું કરવું તે પ્રશ્ન થઈ ગયો છે. કારણ કે પગળેલી ડાંગર કોઈ ખરીદશે નહીં. જેના કારણે ખેડૂતોને મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.



તો આ દ્રશ્યો ઉનાળામાં સૌથી વધુ જેનું વેચાણ થાય છે તે લીંબુના છે.  કમોસમી વરસાદે લીંબુના પાકને મોટા પાયે નુકસાન કર્યું છે. ભાવનગર જિલ્લાના અનેક ગામમાં લીંબુ સહિત બાગાયતી પાકમાં નુકસાન થયું...ખેડૂતોને એક વીઘામાં 50 હજાર રૂપિયાનું નુકસાન પડ્યું છે.



સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં બાજરીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો. તો પાટણમાં ઉનાળુ પાકને મોટા પાયે નુકસાની થઈ. ખેતરમાં લીલોછમ તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો અને અન્નદાતાએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. અમરેલીમાં ઈંટના ભઠ્ઠાઓને મોટી નુકસાની થઈ. ઈંટો બનાવીને સુકવવા મુકી હતી ત્યાં જ વરસાદ આવતા બધી જ ઈંટોને માટી બનાવી દીધી.



ખેડૂતોને સાથે ગુજરાતમાં કેટલીક જગ્યાએ સ્થાનિક લોકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચમાં ભારે પવનના પગલે વિવિધ વિસ્તારમાં સોલાર પેનલ નુકસાન થયું હતું. ટેરેસ પર રહેલી સોલાર પેનલ ધરાશાયી થઈ ગઈ હતી. તો ગીરસોમનાથમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી અનેક હોડિંગ્સ ધરાશાયી થયા હતા. કેરીનો પણ નુકસાન થયું હતું. શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગુજરાતમાં વરસેલા આ કમોસમી વરસાદથી અનેક જગ્યાએ નુકસાની થઈ છે.