પાણીદાર ગુજરાત : ચોમાસાની અડધી ઈનિંગે મોટાભાગના ડેમ છલોછલ, હવે નહિ આવે પાણીનું સંકટ
Gujarat Monsoon 2022 : આ ચોમાસામાં ગુજરાતના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ ભરાયા. હવે આગામી ઉનાળામાં પાણીની પોકાર નહિ ઉઠે
અમદાવાદ :ગુજરાતમાં આગામી ઉનાળો આકરો નહિ બને તેની વ્યવસ્થા થઈ ગઈ છે. મેઘરાજાની મહેરથી ગુજરાતનું ચોમાસું આ વર્ષે સારું રહ્યું છે. મન મૂકીને વરસાદ વરસતા મોટાભાગના જળાશયો ભરાયા છે. આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તારાખ 17 ઓગસ્ટ સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
આ પણ વાંચો : સાવકી માતા પર ઝુનૂન સવાર, પુત્રનું માથુ જમીન પર અથાડીને મારી નાંખ્યો, પતિએ લાશ છુપાવવા કરી મદદ
આ ઉપરાંત રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં 70 થી 100 ટકા, 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી
ભાવનગરના 3 ડેમ છલોછલ ભરાયા
ભાવનગર જિલ્લામાં પડેલા સારા વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના મહુવા તાલુકામાં આવેલાં ત્રણ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. મહુવાના માલણ, રોજકી અને બગડ ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મહુવાના મોટા ખુંટવડા નજીકના માલણ અને રોજકી ડેમ ઓવરફ્લો થયો છે. તો મહુવાના બગદાણા નજીક આવેલ બગડ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. માલણ ડેમના ઓટોમેટિક દરવાજા કોઈ પણ સમયે ખૂલવાની શક્યતાઓને લઇ 10 ગામો એલર્ટ પર છે. જેમાં મોટા ખુંટવડા, ગોરસ, સાંગણિયા, લખૂપુરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણિયાવદર, કતપર અને મહુવા ગામ એલર્ટ પર છે. ગમે ત્યારે પાણી આવી જવાની શક્યતાથી લોકોને નદીના પટમાં અવરજવર ના કરવા અને સુરક્ષિત જગ્યાએ ખસી જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.