ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના દરિયાનો મિજાજ બદલાયો, 11 બંદર પર 3 નંબરનુ સિગ્નલ મૂકાયું
Gujarat Monsoon Update : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, હવે ગુજરાતમાં સારો વરસાદ રહેશે... ગુજરાતના અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે
અમદાવાદ :ગુજરાતમાં ચોમાસુ હવે ધીરે ધીરે જામી રહ્યુ છે. રાજ્યમાં આગામી 5 દિવસ હવે ઉકાળો નહિ રહે અને વરસાદી વાતાવરણ જોવા મળશે. પરંતુ તેના કરતા પણ વધુ, 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, 30 જૂન તેમજ 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના અનેક કાંઠાનો દરિયો તોફાની બન્યો છે. જેથી રાજ્યના 11 બંદરો પર 3 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયુ છે.
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 30 જૂનથી 2 જુલાઈ સુધીના ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તાપી, નવસારી, ડાંગ, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ માછીમારો અને બંદરો માટે કોઇ ચેતવણી નથી. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, સામાન્ય વરસાદ આવી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતને મળ્યા 4 લાઈટ વેઈટ હેલિકોપ્ટર, હવે દરિયાઈ દુશ્મોની ખેર નથી...
તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, હવે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. આ વર્ષે વાવણી લાયક સારો વરસાદ રહેશે. જેમાં હાલ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે તેવુ તેમનુ કહેવુ છે.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના દરિયામાં મોજા ઉંચે ઉછળવા લાગ્યા છે. ગુજરાતના અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે. જેને કારણે અનેક બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા છે, તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કત્યારે દ્વારકામાં તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ભડકેશ્વર મંદિર ,લાઇટ હાઉસ સહિતના વિસ્તારોમાં દરિયા કિનારે 10 થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા. હવામાન ખાતા દ્વારા આગાહી મુજબ, તેજ પવન સાથે દરિયો ગાંડોતુર જોવા મળ્યો. ભડકેશ્વર મહાદેવ મંદિર પર સહેલાણીઓ સમુદ્રની મોજ માણતા જોવા મળ્યા.
આ પણ વાંચો : બહુ વાયરલ થયા ગુજરાતના આ ઊંઘણશી શિક્ષક, ક્લાસમાં આવીને રોજ સૂઈ જાય
ગુજરાતના અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતાઓને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા કલેક્ટર દ્રારા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે, તો સહેલાણીઓને પણ દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે. જેને લઈને વલસાડના સુપ્રસિધ્ધ તિથલ બીચ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સહેલાણીઓ દરિયાના નજીક ન જાય તે માટે પોલીસ પેટ્રોલિંગ અને બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 28 થી 1 તારીખ સુધી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા કલેક્ટર નરેન્દ્રસિંહ રાજપૂત દ્વારા તમામ અધિકારીઓને પોતાના હેડ કોટર ના છોડવાના આદેશ કર્યા છે. સાથે જ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.