હિમાંશુ ભટ્ટ/મોરબી: વિધાનસભાની ચૂંટણી ટાણે પાર્ટીઓમાં આંતરિક વિખવાદ શરૂ થાય તે સ્વાભાવિક છે. મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ મળીને 33 કરોડથી વધુના કામનું સંસદની હાજરીમાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લાની તમામ બેઠક ઉપર આંતરિક વિવાદ ચાલી રહ્યા છે તેનો પ્રશ્ન પુછવામાં આવતા સાંસદે કહ્યું હતું કે, જિલ્લામાં કોઈ વિવાદ છે જ નહીં અને જે ભાજપની ટિકિટ લઈને આવશે. તેની સાથે ભાજપના કાર્યકર્તા રાષ્ટ્ર ભાવના સાથે કામે લાગી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આજે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા, તાલુકા અને પાલિકા વિસ્તારના જુદા જુદા 33 કરોડથી વધુના 76 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત સંસદના હસ્તે કરવામાં આવ્યું હતું. 


મોહનભાઇ કુંડારિયાએ સભાને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં યોજાયેલા જુદા જુદા કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના ઓવોરબ્રિજ, ફોરલેન રસ્તા, કન્ટેનર ડેપો સહિતના કરોડો રૂપિયાના કામોને સીએમ, પીએમ અને સ્થાનિક આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે અને ઘણા કામોના ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સાંસદને પત્રકારો સાથે જિલ્લામાં સ્થાનિક લેવલે જે જુથવાદ છે તેને લઈને પ્રશ્ન પુછવામાં આવતા મોહનભાઈએ ભાજપમાં જુથવાદ હોતો નથી અને ચુંટણીમાં કમળનું નિશાન લઈને કોઈ પણ આવે તો તેની સાથે જનુનથી રાષ્ટ્ર ભાવના સાથે કામ કરતો હોય છે.


અત્રે ઉલેખનીય છે કે, મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું જુથ સામ સામે છે તો વાંકાનેર બેઠક ઉપર માજી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપના આગેવાન તેમજ વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલાનું જુથ સામ સામે છે. 


આવી જ રીતે હળવદમાં વર્તમાન ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા અને માજી મંત્રી તેમજ વર્તમાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયાનું જુથ સામે સામે છે તે જિલ્લામાં જગજાહેર છે અને ટંકારાની બેઠક ઉપર પણ ભાજપના સ્થાનિક મુરતિય વધુ છે અને હજુ તો બહારથી ઉમેદવાર આવે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભાજપને અન્ય પક્ષ કરતાં ભાજપમાંથી જ નુકશાન જાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે ત્યારે સાંસદ મોહનભાઇ દ્વારા આપવામાં આવેલ નિવેદન સાચું ઠરે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube