Gujarat Municipal Election 2021: 6 મનપામાં ફરી ભાજપની ભવ્ય જીત, AAP અને AIMIM નો અપસેટ, કોંગ્રેસનાં સૂપડાં સાફ
21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓના પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થયાં. પરિણામ જાહેર થતાંની સાથે જ આ વખતની મનપાની ચૂંટણીઓમાં ઘણાં અપસેટ જોવા મળ્યાં. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માધ્યમથી પહેલીવાર ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ. તો બીજી તરફ ફરી એકવાર કોંગ્રેસનાં કારના કારમા પરાજય સાથે સૂપડાં સાફ થઈ ગયા છે. આ લડાઈમાં ફરી એકવાર ભાજપને જનતા જનાર્દનના આર્શિવાદ મળ્યાં. ગુજરાતમાં કોંગ્રેસની હાલત જોઈને પેલું ગીત યાદ આવી જાય છેકે, દિલ તોડીને દગો કર્યો અને જિંદગી થઈ મારી રમણ-ભમણ...
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર સહિત કુલ 6 મહાનગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે. ચૂંટણીઓના પરિણામ જાહેર થતાંની સાથે જ આ વખતે અનેક નવા અપસેટ સામે આવ્યાં છે. એક તરફ ફરી એકવાર લોકોએ વિકાસના મુદ્દાને ધ્યાને લઈને તમામ 6 મનપામાં ભાજપને ભવ્ય જીત અપાવી છે. તો બીજી તરફ પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માધ્યમથી ગુજરાતમાં પહેલીવાર કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP), માયાવતીની બહુજન સમાજવાદી (BSP) પાર્ટી, અને ઓવૈસીની AIMIM ની અત્યંત સપ્રાઈઝીંગ એન્ટ્રી થઈ છે. સુરતમાં શાનદાર પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની આશાઓ પર ઝાડુ ફેરવી દીધું છે.
ગુજરાતની કુલ 6 મહાનગર પાલિકામાં કુલ 575 બેઠકોની મતગણતરી થઈ. જેમાં ગુજરાતની 6 મહાનગરપાલિકાના કુલ 2276 ઉમેદવારોના ભાવિનો ફેસલો થયો. જે પ્રકારે મનપાની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે એ જોતા હાલ તો ગુજરાતમાં કોંગ્રેસની હાલત જોઈને પેલું ગીત યાદ આવી જાય છેકે, દિલ તોડીને દગો કર્યો અને જિંદગી થઈ મારી રમણ-ભમણ...
ગુજરાતની 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો ભજવો લહેરાયો
- અમદાવાદ મનપાની કુલ 192 બેઠકો છે. જેમાં અમદાવાદમાં 160 ભાજપ, 15 કોંગ્રેસ, AIMIM 8 અને અન્ય ને 1 બેઠક મળી છે. મતગણતરી ચાલુ છે જેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
- વડોદરા મનપાની કુલ 76 બેઠકો છે. 19 વોર્ડની 76 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 76 માંથી 69 બેઠક ભાજપ (BJP) અને 7 બેઠક પર કોંગ્રેસ (Congress) નો વિજય થયો છે. કોંગ્રેસ ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શકી નથી.
- સુરતની મનપાની કુલ 120 બેઠકો છે. જેમાં 93 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે તો બીજી તરફ 27 બેઠકો પર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ અપસેટ સર્જ્યો છે. સુરતમાં કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયાં છે.
- રાજકોટ મનપાની કુલ 72 બેઠકો છે. જેમાં 68 બેઠકો પર ભાજપની જીત થઈ છે જ્યારે 4 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.
- જામનગર મનપાની કુલ 64 બેઠકો છે. જેમાં 50 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ 11 બેઠક પર જીત મેળવી છે. આ સિવાય સૌથી ચોંકાવનારી વાત એ છે કે, માયાવતીની બહુજન સમાજ પાર્ટી આ વખતે 3 બેઠકો પર જીત મેળવી છે.
- ભાવનગર મનપાની કુલ 52 બેઠકો છે. જેમાં 44 બેઠકો પર ભાજપની જીત થઈ છે જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.
સુરતમાં ફરી વળ્યું AAP નું ઝાડું અને કોંગ્રેસના થઈ ગયા સુપડાં સાફ
સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીઓ સૌથી મોટો અપસેટ સર્જી દીધો છે. હવે સુરતમાં વિપક્ષમાં AAP અને કોંગ્રેસના સુપડા સાફ. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં સુરતમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. સુરત મનપાની કુલ 120 બેઠકો પૈકી 93 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે 27 બેઠકો પર ઝાડું ફેરવીને આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરીને કોંગ્રેસના સાફ કરી દીધાં છે. કોંગ્રેસ સુરતમાં ખાતુ પણ ખોલાવી શકી નથી. આ સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટીની 6 પેનલો પર શાનદાર જીત થઈ છે. પરિણામો જાહેર થયા બાદ ગુજરાતની જનતાનો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આભાર માન્યો છે. સુરતમાં આપની જ્યાં-જ્યાં જીત થઈ છે તે બેઠકો ભુતકાળમાં કોંગ્રેસ પાસે હતી. સુરતમાં પાસ અને કોંગ્રેસના ઝઘડામાં આપ ફાવી ગયું. સુરતમાં પાટીદારોએ હાર્દિક પટેલને મોટો ઝટકો આપ્યો છે.
અમદાવાદમાં કોંગ્રેસના ગઢમાં ઓવૈસીની પાર્ટી AIMIM એ પાડ્યું ગાબડું
અમદાવાદના જમાલપુર વોર્ડમાં કોંગ્રેસના ગઢમાં ઓવૈસીની પાર્ટીએ ગાબડું પાડી દીધું છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ જમાલપુરમાં ચારેય ઉમેદવારોએ જીત હાંસલ કરીને સૌથી મોટો અપસેટ સર્જી દીધો છે. જમાલપુરમાં ઓવૈસીની પાર્ટી AIMIM ની પેનલ વિજેતા બની છે. આ ઉપરાંત અમદાવાદના મકતમપુરા વોર્ડમાં પણ કોંગ્રેસનો સફાયો કરીને AIMIM ની પેનલે જીત મેળવી લીધી છે. કોંગ્રેસથી નારાજ થઈને જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા AIMIM માં જોડાઈને તેમની પાર્ટીમાંથી ગુજરાતના પ્રમુખ બન્યા હતા. અમદાવાદના કુલ 48 વોર્ડમાંથી 2 વોર્ડમાં ઓવૈસીની પાર્ટીની પેનલોએ જીત મેળવી છે. આ સાથે જ હવે કુલ 192માંથી 8 કોર્પોરેટરો AIMIM ના હશે. મનપાની ચૂંટણીઓમાં આ સૌથી મોટો અપસેટ કહી શકાય.
ગુજરાતમાં પહેલી વાર માયાવતીના બસપની એન્ટ્રી, ભાજપની પેનલ તોડી
જામનગરમાં વોર્ડ નંબર 6 ભાજપનું ગઢ મનાતુ, 6 ટર્મથી કબજો હતો. માયાવતીના બહુજન સમાજ પક્ષ (બસપા) એ પહેલીવાર ગુજરાતમાં અનઅપેક્ષિત એન્ટ્રી (BSP Gujarat entry) કરી. જામનગરમાં તેણે ભાજપની પેનલ તોડી એટલું જ નહીં. પેનલમાંથી 3 ઉમેદવારો જીત્યા, માત્ર એક સીટ ભાજપને મળી.
અમદાવાદના 3 વોર્ડમાં કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખ્યો
અમદાવાદમાં દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. 1995 થી દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તો દાણીલીમડા અને બહેરામપુરામાં કોંગ્રેસના પેનલની ભવ્ય જીત થઈ છે. પોતાના ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ નીવડ્યું છે. તો અમદાવાદના કેટલાક વોર્ડમાં અસુદ્દીન ઔવેસીની AIMIM પાર્ટીએ 10 હજાર વોટથી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડ્યું.
2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર
2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસનો જાકારો આપ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Civic Polls) માં અનેક વોર્ડમાં કોંગ્રેસ (congress) પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. સુરતમાં કોંગ્રેસના હાલ બેહાલ થયા છે. આવામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રજાએ આ નેતાઓને પણ જાકારો આપ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad) ના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા, જામનગર શહેરના પ્રમુખ દિગુભા જાડેજા અને વડોદરામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીની ભૂંડી હાર થઈ છે.
માત્ર 11 મતથી જીત્યા ભાજપના ઉમેદવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમગ્રાઉન્ડ એવા રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી. રાજકોટના વોર્ડ નંબર 16માં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશી 11 મતથી જીત્યા. તેમને 8,600 મત મળ્યા. કોંગ્રેસના રસિલાબેન ગોરિયાને 8,589 મત મળ્યાં.
ક્યાં-ક્યાં કરવામાં આવી મત ગણતરી
અમદાવાદમાં એલડી એન્જિનરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી કરાઈ. સુરતમાં ગાંધીજી એન્જિનિયરિંગ અને SVNIT ખાતે હાથ ધરાઈ. ભાવનગરમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી. રાજકોટમાં 6 સ્થળોએ મતગણતરી શરૂ કરવામાં આવી. તો વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કામગીરી કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube