અતુલ તિવારી/અમદાવાદ :કિડનીની સમસ્યાથી પીડિતા બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ મામલે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ (kidney hospital) દેશભરમાં મોખરે છે. અંગદાન અંગે સમાજમાં સતત જાગૃતિ વધતા વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા મામલે અવ્વલ છે. છેલ્લા 10 મહિનામાં કિડની હોસ્પિટલ દ્વારા 26 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ (kidney transplant) કરાયું. છેલ્લા માત્ર બે મહિનામાં 9 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં IKDRC સફળ રહ્યું.


  • વર્ષ 2014 માં 17 બાળકો 

  • વર્ષ 2015 માં 26 બાળકો 

  • વર્ષ 2016 માં 22 બાળકો 

  • વર્ષ 2017 માં 30 બાળકો 

  • વર્ષ 2018 માં 24 બાળકો 

  • વર્ષ 2019 માં 26 બાળકો 

  • વર્ષ 2020 માં 23 બાળકો 

  • વર્ષ 2021 માં 10 મહિનાની અંદર 26 બાળકો 

  • છેલ્લા બે મહિનામાં જ 9 બાળકોનું ટ્રાન્સપ્લાન્ટ 

  • દેશની અન્ય હોસ્પિટલમાં વર્ષે 7 થી 8 કિડની ટ્રાન્સપ્લાન્ટ સામે IKDRC હોસ્પિટલમાં 26 ટ્રાન્સપ્લાન્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિડનીની સમસ્યા માટે રાજ્યભરમાં જાણીતી અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સતત બાળકોની કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી રહી છે. કિડની હોસ્પિટલમાં દર વર્ષે બાળકોના કિડનીના ટ્રાન્સપ્લાન્ટના કેસોની વાત કરીએ તો, દેશભરની જાણીતા હોસ્પિટલ કરતા ત્રણ ગણા વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માત્ર કિડની હોસ્પિટલમાં થઈ રહ્યા છે. દેશની જાણીતી દિલ્હી એઈમ્સમાં વર્ષે 7 થી 8 જ્યારે બેંગ્લોરમાં આવેલી સેન્ટ જોન્સમાં વર્ષે 6 થી 7 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદની આ કિડની હોસ્પિટલ ત્રણ ગણી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય એવા બાળકોના વાલીઓ તેમને કિડની હોસ્પિટલ તરફથી મળી રહેલી સુવિધાને લઇને સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. લાખોના ખર્ચે થતું કિડની ટ્રાન્સપ્લાન્ટ અહી વિનામૂલ્યે થાય છે. ઝી 24 કલાક સાથે વાત કરતા બાળકના વાલીએ કહ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ અમે ઘરેથી રાત્રે પણ ડોક્ટરનો સંપર્ક કરીએ તો અમને યોગ્ય સૂચન આપવામાં આવે છે. પહેલા બાળકને જે સમસ્યાઓ હતી, એનાથી આજે અમારું બાળક મુક્ત થયું છે.


અનેક બાળકોને જન્મતાની સાથે જ કિડનીની સમસ્યા હોય છે, તો કેટલાક બાળકમાં જન્મના કેટલાક વર્ષો બાદ કિડનીની સમસ્યા હોવા અંગે જાણકારી મળે છે. જો કે થોડા સમય પહેલા અંગદાન કરવા અંગે સમાજમાં ખૂબ જ ઓછી જાગૃતતા જોવા મળતી હતી. લોકો અંગદાન માટે તૈયાર થતા ન હતા, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત, રાજકોટ, વડોદરામાં ધીરે ધીરે અંગદાન અંગે જાગૃતતા વધતા હવે અંગદાન કરનારની સંખ્યામાં વધારો થયો છે. જેથી લાંબા સમયથી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા લોકોના ટ્રાન્સપ્લાન્ટ ઝડપી બન્યા છે. SOTTO અંતર્ગત બ્રેઈનડેડ દર્દીઓના સગાને અંગદાન અંગે સમજાવવામાં આવી રહ્યા છે અને અનેક પરિવારોની સંમતી મળતા અંગદાન વધતા જેમને કિડનીની જરૂર છે એવા બાળકોને ઝડપથી કિડની મળી રહી છે. બાળકો કિડનીની સમસ્યામાંથી મુક્ત થઈ સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે. તેમના જીવનમાં ખુશીઓ પરત ફરી રહી છે.


બાળકોની વાત કરીએ તો અંદાજે 30 જેટલા બાળકો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટીંગમાં છે. કિડનીની સમસ્યા હોય એવા બાળકને તેના માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની કિડની આપી શકતા હોય છે. પરિવારમાંથી જ બાળકને કિડની મળી રહે તો ઝડપથી કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. પરંતુ જો પરિવારમાંથી કિડની ન મળી શકે તો અંગદાન થકી કિડની મળે અને વેઇટીંગ લિસ્ટમાં વારો આવે ત્યા સુધી રાહ જોવી પડે છે. પરંતુ દેશમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં કિડની હોસ્પિટલ દ્વારા પ્રશંસનીય કામગીરી થતી જોવા મળી રહી છે.