અમદાવાદમાં અચાનક ઓરીના કેસોનો વિસ્ફોટ! જાણો ઓરીના લક્ષણો અને બચવાના ઉપાય
ઓરીના કેસોમાં દવાખાનામાં જતા લોકો ટાળતા હોય છે માતાજી નીકળ્યા છે એવું સમજીને અનેક વખત બાળકોને ઘરે જ રાખવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં બાળકોની સ્થિતિ ખૂબ બગડે છે આવી સ્થિતિમાં ડોક્ટર અને તંત્ર સુધી સાચા કેસ અને સાચા આંકડા પહોંચતા નથી. જેથી ઓરી કેટલો પ્રસરી રહ્યો છે એની સાચી જાણકારી મળી શકતી નથી. હાલમાં કેન્દ્રની પણ ટીમ અમદાવાદમાં છે જેટલા પણ કેસ રોજ અત્યારે આવી રહ્યા છે તેને સતત રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ઓરીના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ઓરીના વધતા જતા કેસોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ પણ ઉડાડી દીધી છે. ખાસ કરીને બાળકોમાં આ બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેના કારણે જ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. કારણકે, આ બીમારી બાળકો માટે ખુબ જોખમી સાબિત થઈ શકે છે.
ઉલ્લેખની છેકે, છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં ઓરીના વધતા કેસોથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોરોનાકાળ દરમિયાન બાળકોને ઓરીની વેક્સિન આપવામાં કચાશ રહીં જતા અચાનક ઓરીના કેસોમાં થયો વિસ્ફોટ. બાળકોમાં ઓરીના કેસો વધતાં તંત્ર તરફથી બહોળા પ્રમાણમાં ઓરીની વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે.
ઓરીના કેસોમાં દવાખાનામાં જતા લોકો ટાળતા હોય છે માતાજી નીકળ્યા છે એવું સમજીને અનેક વખત બાળકોને ઘરે જ રાખવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં બાળકોની સ્થિતિ ખૂબ બગડે છે આવી સ્થિતિમાં ડોક્ટર અને તંત્ર સુધી સાચા કેસ અને સાચા આંકડા પહોંચતા નથી. જેથી ઓરી કેટલો પ્રસરી રહ્યો છે એની સાચી જાણકારી મળી શકતી નથી. હાલમાં કેન્દ્રની પણ ટીમ અમદાવાદમાં છે જેટલા પણ કેસ રોજ અત્યારે આવી રહ્યા છે તેને સતત રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જો સાચા આંકડા સામે આવશે તો વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે અને સરકાર પણ તેના ઉપર જરૂરી પગલાં લઈ તાત્કાલિક મદદરૂપ થઈ શકે છે.
ઓરી વિશે શું કહે છે નિષ્ણાતો?
જાણીતા પિડીયાટ્રિશિયન ડોક્ટર શ્વેતા કોટકે કહ્યું કે, ઓરી ખૂબ જ જૂનો અને બાળકોમાં ફેલાતો રોગ છે. જો કે સરકાર દ્વારા બહોળા પ્રમાણમાં વેક્સિન અભિયાન ચલાવવામાં આવતા તેના પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઓરીના કેસો બાળકોમાં સતત વધતા ચિંતામાં વધારો થયો છે. કોરોનાની વેક્સિન આપવાની કામગીરીને કારણે ઓરીની વેક્સીન આપવામાં ક્યાંક ગફલત રહી હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે ઓરીના કેસોની સંખ્યા વધી હોય તેવી શક્યતા છે. ઓરીની વેક્સિન આપવાના તંત્રના અભિયાનમાં ગફલત થઈ હોય અથવા કોરોનાને કારણે માતા પિતામાં બાળકોને વેક્સિન અપાવવાની બાકી રહી ગઈ હોય એવી શક્યતા છે. ડોક્ટર શ્વેતા કોટકે કહ્યું કે, પહેલા એક વર્ષથી પાંચ વર્ષના બાળકમાં ઓરીના કેસ જોવા મળતા હતા પરંતુ આ વખતે આઠ મહિના કરતાં ઉપરના બાળકોમાં પણ ઓરીના કેસો જોવા મળી રહ્યા છે.
શું ઓરી?
ઓરી એ એક પ્રકારનો વાયરસજન્ય રોગ છે જેને મેડિકલ લેંગ્વેજમાં મિઝલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓરી એ ચેપી રોગ છે, એક દર્દીના સંપર્કમાં 10 લોકો આવે તો 9 વ્યક્તિમાં ફેલાવાની શક્યતા રહેતી હોય છે
શું છે ઓરીના લક્ષણો?
ઓરીના લક્ષણોની વાત કરીએ તો, સૌપ્રથમ તાવ આવવો, શરદી - ખાંસી, આંખમાં લાલાશ, આંખો આવવી, ઝાડા - ઉલટી થવી તેમજ શરીર ઉપર દાણા જોવા મળતા હોય છે.
ઓરી ખૂબ જ જૂનો રોગ છે એટલે આ રોગનાં લક્ષણોથી બધા જ પરિચિત હશે પરંતુ વધારે તાવ આવે અને વધુ પડતા દાણા નીકળે તો ડોક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ
ઓરી થાય એવા બાળકથી અન્ય બાળકોને અલગ રાખવા જોઈએ
ઓરીની સારવાર માટે કોઈ વિશેષ દવા નથી હોતી, સામાન્ય દવા જ આપવામાં આવતી હોય છે
કેટલાક કિસ્સામાં શરીરમાં પાણી ઘટી જતું હોય છે એવા કિસ્સામાં ઓઆરએસ આપવું હિતાવહ છે
ખૂબ તાવ આવતો હોય તો તાવની દવા તેમજ વિટામીન A ની સારવારમાં ખૂબ જ મોટો રોલ છે
સરકારી દવાખાનામાંથી આ દવાઓ સરળતાથી મળી રહેતી હોય છે, જે બાળકને આપવી જોઈએ
પાંચ દિવસમાં ઓરી સામાન્ય રીતે મટી જતો હોય છે
પૂરતો તાજો ખોરાક અને પ્રવાહી આપવાથી બાળકને આરામ થઈ જતો હોય છે
કેટલાક કિસ્સાઓમાં ઓરી બાળકની રોગ પ્રતિકારક શક્તિને નબળી કરે છે, જેના કારણે બાળકોને ઝાડા - ઉલટી તેમજ ન્યુમોનિયા અને શરદી - ખાંસી જેવી સમસ્યાઓ થાય છે
આવા લક્ષણો જણાતા જ તરત ડૉક્ટરનો સંપર્ક કરીને ઈલાજ કરાવવો જરૂરી છે
ઓરીને નિવારવા માટે મિઝલસ વેક્સિન વર્ષોથી આપવામાં આવતી રહી છે
નવ મહિના અને સવાથી દોઢ વર્ષની વચ્ચે બે અલગ અલગ ડોઝમાં આ વેક્સિન બાળકોને આપવામાં આવતી હોય છે
જો કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સરકાર દ્વારા સ્કૂલ અને મોટા બાળકોને પણ એમઆર વેક્સિનનો લાભ આપ્યો હતો
પરંતુ કોરોનાને કારણે માતા-પિતાને પણ હોસ્પિટલમાં જવાની કદાચ બીક રહી હશે જેના કારણે ઓરિનું વેક્સિનેશન ઘટ્યું હશે
તેમજ કોરોનાને કારણે બાળકોની ઇમ્યુનિટી ઉપર પણ જે અસર પડી છે તેના કારણે પણ ઓરીના કેસ વધ્યા હોઇ શકે
સમયાંતરે કોઈપણ વાયરસ હોય એમાં મ્યુટેશન પણ થતું જોવા મળતું હોય છે
એવી પણ શક્યતા છે કે ઓરીના કેસમાં પણ મ્યુટેશન થયું હોય, જો કે સરકાર આ વિશે તકેદારી રાખતી હોય છે
હાલના તબક્કે ઓરીની વેક્સિન જે બાળકોને આપવાની બાકી હોય તેવા વાલીઓએ બાળકોને વેક્સિન અપાવી દેવી જોઈએ
આપણે અનેક વખત કોરોનામાં સાંભળ્યું છે, જાણ્યું છે અને સમજ્યા પણ છીએ કે વેક્સિન આપવાથી રોગ નહીં થાય એવું નથી પરંતુ ગંભીર રોગ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને સરળતાથી જે તે રોગ સામે લડવામાં આપણને મદદ મળતી હોય છે
ઓરીથી બચવાનો ઉપાયઃ
ઓરિથી બચવા માટે વેક્સિન જ એક માત્ર ઉપાય છે.