અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્રમાં કેટલી હદે લાલીયાવાડી ચાલે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં હાલમાં ચાલી રહેલી પ્રોપર્ટિ ટેક્સ રિકવરી ઝુંબેશ અંતર્ગત પૂર્વ ઝોનના ટેક્સ વિભાગે માત્ર રૂ. 1945 જેવી નજીવી બાબતે દુકાનને સીલ મારી દીધુ હોવાનુ સામે આવ્યુ છે. જેને લઇને સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આખાય મામલામાં જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવાની વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાકી ટેક્સની કડક ઝુંબેશ અંતર્ગત હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સીલીંગ સહીતની કાર્યવાહી કરી રહી છે. ટેક્સ વિભાગને અપાયેલી સુચના મુજબ જે કોઇ મિલ્કત ધારકનો 25000 થી વધુ ટેક્સ બાકી હોય તેવા કિસ્સામાં જ પ્રોપર્ટી સીલ કરવાની હોય છે. પરંતુ શહેરના પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં આવેલા ઝુલતા મિનારા વિસ્તારમાં રઉફ અલિમભાઇ અને બિલ્કીસ બાનુ રઉફ ભાઇ નામના બે મિલ્કત ધારકોના ચાલુ વર્ષના રૂ.1945 અને રૂ. 1945 મળી કુલ રૂ.3890 રૂપિયા જ બાકી હતા. તેમ છતા પણ પૂર્વ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા બન્ને કોર્મશિયલ મિલ્કતોને સીલ મારી દીધા હતા. જે બાદ બન્ને મિલ્કત ધારકોએ પોતાનો બાકી ટેક્સ તાત્કાલીક ભરી દીધો હતો.


સમગ્ર મામલો સ્થાનીક કોર્પોરેટર ઇકબાલ શેખ સુધી પહોંચતા તેઓએ તંત્રના અધિકારીઓની આ પ્રકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર સામે પગલા લેવા મ્યુનિસિપલ કમિશ્રરને પત્ર લખ્યો છે. નોંધનીય છેકે હાલ પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા દરેક ઝોન દીઠ કર્મચારીઓને લક્ષ્યાંક આપવામાં આવેલા છે. અને આ પોતાના લક્ષ્યાંક પૂર્ણ કરવાની હોડમાં તેઓ નજીવી રકમ બાકી હોય એવી મિલ્કતોને પણ સીલ મારી રહ્યા છે.