બનાસકાંઠામાં ખાનગી હોસ્પિટલમાં આગથી ICU મા દાખલ બાળકનું મોત, સ્થાનિકોમાં ડોક્ટર સામે રોષ
શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલના ડોક્ટરની મનમાની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ ન કરતાં અને મનમાની કરતા ડોક્ટર સામે લોકોમાં રોષ..
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર તંત્ર સામે સવાલ ઉઠાવ્યાં છે. કાંકરેજના શિહોરીની ખાનગી ચાઇલ્ડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી. આ ઘટનામાં એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે. એક બાળક જે હોસ્પિટલમાં પોતાનો જીવ બચાવવા માટે દાખલ થયો હતો. આઈસીયુમાં જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો. ખાનગી હોસ્પિટલની બેદરકારીના કારણે આગની ઘટનામાં એ બાળકનું મોત નિપજ્યું છે. જોકે, આ બેદરકારી માત્ર ખાનગી હોસ્પિટલની નથી. તંત્ર બેદરકારી પણ છે. નિયમ વિરુદ્ધ સંખ્યાબંધ હોસ્પિટલો ધમધમે છે. જેમાં સેફ્ટીની પુરતી વ્યવસ્થાઓનો અભાવ હોય છે. આવી સ્થિતિમાં સારવાર માટે આવેલ દર્દીનો જીવ વધુ જોખમમાં મુકાય છે.
શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલના ડોક્ટરની મનમાની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ ન કરતાં અને મનમાની કરતા ડોક્ટર સામે લોકોમાં રોષ.. શિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવા માટેની માંગ સાથે શિહોરીના સ્થાનિક લોકો એકઠાં થયા હતાં. શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની માગ કરી રહ્યાં છે. સ્થાનિક આગેવાનોએ ડોકટરની બદલી કરાવવાની લોકોને ખાતરી આપતાં લોકોએ પોતાના ધંધા રોજગાર ફરીથી શરૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છેકે, ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા. ડોક્ટરના ખરાબ વર્તનને પગલે લોકો રોષે ભરાયા હતા. સરકારી ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકરોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.