નવનીત દલવાડી, ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. નુકસાનીનો વરસાદ જગતના તાતને કેવી પીડા આપી રહ્યો તેનો ચિતાર વાંચો આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લામાં સારી આવક આપતા બાગાયતી પાકની ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. આ વખતે પણ ખેડૂતોએ કેરી, જમરૂખ, દાડમ, કેળ, પપૈયા સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પણ છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે થયેલા માવઠાના કારણે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


ખેડૂતોએ આખી સિઝન મહેનત કરીને ખેતરમાં પાકની વાવણી કરી. પરંતુ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ગત વર્ષે પણ આવેલા વિનાશક વાવાઝોડાના કારણે લીંબુના પાકને વ્યાપક નુકશાન થયું હતું.. ત્યારે આ વખતે પણ માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પવનના કારણે આંબાનો મોર અને નાની નાની કેરીઓ પણ ખરી પડી છે. ત્યારે ભાવનગરમાં માવઠાના કારણે પાકમાં થયેલા વ્યાપક નુકશાનનો સર્વે કરાવી સરકાર વળતર આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.