ભારતમાં માત્ર ગુજરાતના આ શહેરમાં રેલવે સ્ટેશન પર સામાન ઉઠાવે છે મહિલા કુલીઓ!
ભાવનગર રેલવે ટર્મિનસ પર અગાઉ 50 થી વધુ મહિલાઓ કુલી તરીકે કામ કરતી હતી, જેમને સ્પેશ્યલ ઓળખ માટે બિલ્લા પણ આપવામાં આવતા હતા, પરંતુ હાલમાં 8 થી 10 જેટલી મહિલા કુલી રેલવેના બિલ્લા ધરાવે છે. રોજગારી પૂરતા પ્રમાણમાં નહી મળવાને લીધે માત્ર ૧૦ જેટલાં બહેનો નિયમિત રેલવે સ્ટેશન ખાતે આવે છે.
નવનીત દલવાડી, ભાવનગરઃ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા એક માત્ર ભાવનગર શહેરમાં રેલવે ટર્મિનસ પર મહિલાઓ કુલી તરીકે સેવા આપી રહી છે. રજવાડાના સમયમાં ભાવનગરના મહારાજા દ્વારા 55-60 વર્ષ પહેલાં પ્રથમ રેલવે લાઈન શરૂ થઇ હતી. ત્યારે ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલએ તે સમયે બહેનોને કુલી બનવા માટે તક આપી હતી. સામાન્ય રીતે રેલવે સ્ટેશનો પર પુરુષો કુલી તરીકે કામ કરતા હોય છે. પરંતુ મહિલાઓ પણ પુરુષોની સમોવડી છે. એ પુરવાર કરવા મહિલાઓને ખાસ હક્ક આપી તેઓને પગભર થવામાં મદદ કરી હતી. ભાવનગર ટર્મિનસ મહિલા કુલી માટે રોજીરોટી કમાવવા માટે સહારો બન્યું હોય તેવું એક માત્ર રેલવે સ્ટેશન છે.
સમગ્ર વિશ્વમાં મહિલાઓને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. અને એ માટે વિશ્વ મહિલા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. અને બહેનો માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક યોજનાઓ આપી છે. અને ઘર કામથી લઇને વિમાન ઉડાવવા સુધીના ક્ષેત્રમાં બહેનો અગ્રેસર સ્થાન ધરાવે છે. ઘણા કામ એવા હોય છે. જે સામાન્ય રીતે માત્ર પુરુષો જ કરતા હોય છે. પરંતુ ભાવનગર રેલવે ટર્મિનસ પર એક એવું કામ કે જે પુરુષોના સ્થાને મહિલાઓ પણ કરી રહી છે. સમગ્ર દેશમાં ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન એક માત્ર એવું સ્ટેશન છે. કે જ્યાં કુલી તરીકે આજે પણ મહિલાઓ કામ કરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું પ્રથમ રજવાડું સોંપનાર અને ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહિલાઓને પણ પુરુષ સમોવડી ગણી તેઓ તેના પરિવારનું ભરણપોષણ કરી શકે એ માટે ભાવનગર રેલવે સ્ટેશનો પર ફક્ત મહિલા કુલીઓની ભરતી કરવામાં આવી હતી. અંદાજે 55 વર્ષથી ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે માત્ર બહેનો જ કુલી તરીકે કામ કરી રહી છે
ભાવનગર રેલવે ટર્મિનસ પર અગાઉ 50 થી વધુ મહિલાઓ કુલી તરીકે કામ કરતી હતી, જેમને સ્પેશ્યલ ઓળખ માટે બિલ્લા પણ આપવામાં આવતા હતા, પરંતુ હાલમાં 8 થી 10 જેટલી મહિલા કુલી રેલવેના બિલ્લા ધરાવે છે. રોજગારી પૂરતા પ્રમાણમાં નહી મળવાને લીધે માત્ર ૧૦ જેટલાં બહેનો નિયમિત રેલવે સ્ટેશન ખાતે આવે છે. જોકે તેમાં પણ માત્ર લાંબા અંતરની, આસનસોલ, ભાવનગર-બાંદ્રા જેવી ટ્રેનો કે જેમાંથી આ મહિલા કુલીઓ ને રોજગારી મળી રહે છે. એ સિવાય ટૂંકા અંતરની અનેક ટ્રેનો ભાવનગર ટર્મિનસ થી ઉપડે છે. પરંતુ એમાં મુસાફરો પાસે સીમિત લગેજ હોવાના કારણે કુલી મહિલાઓને એમાંથી રોજગારી નથી મળતી, જ્યારે લાંબા અંતરની ટ્રેનો ઓછી હોવાથી ભાવનગરમાં મુસાફરોની સંખ્યા ખુબ ઓછી હોય છે.
જેમાં પણ મોટાભાગના મુસાફરો ટ્રોલી બેગ લઈને મુસાફરી કરતા હોય પોતાનો સમાન પોતે જ લઇને ચાલ્યા જાય છે. જેના કારણે પૂરતી રોજગારી મળવી મુશ્કેલ હોવાથી ભાવનગર બાંદ્રા જેવી લાંબા અંતરની ટ્રેન પર જ મહિલા કુલીઓને નિર્ભર રહેવું પડે છે. જોકે અમુક મુસાફર સમાન ઉઠાવવા કુલી ને લઇ જાય છે. જેમાં સામાન ટ્રેનના કોચ સુધી પહોંચાડે ત્યારે આ મહિલા કૂલીઓ ને માંડ ૫૦ થી ૧૫૦ સુધીની મજુરી મળે છે. હાલ જે કુલી બહેનો કામ કરે છે. જેમાં ઘરનું ભરણપોષણ થતું ના હોય પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દિવસ દરમિયાન અન્ય દુકાનો પર પાણી ભરવા કે ઘરકામ કરવા જવુ પડે છે
છેલ્લા 55 વર્ષથી પરંપરાગત રીતે બહેનો કુલી તરીકે કામ કરે છે. કોઈ બહેનોતો એવા પણ છે. કે જેના માતા કે સાસુ પણ ભાવનગર રેલવે ટર્મિનલ ખાતે કુલી તરીકે કામ કરતા હતા અને ત્યાર બાદ તેના સ્થાને હાલ તેઓ રેલવે ટર્મિનસ પર કુલી તરીકે કામ કરે છે. સમગ્ર દેશમાં માત્ર ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે મહિલા કુલી હોવા છતાં સરકાર કે રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકાની સહાય આપવામાં આવતી નથી. રેલવે દ્વારા કોઈવાર કુલી તરીકે ભરતી કરવામાં આવે છે. અને તેને બીલ્લો પણ આપવામાં આવે છે. જેનો રેલવે દ્વારા વાર્ષિક ચાર્જ પણ વસુલવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગર રેલવે ટર્મિનસ પર કામ કરતી કુલી મહિલાઓને યોગ્ય સહાય મળે એ માટે મહિલા કુલી સન્માનનિધિ આપવી જોઈએ એવી માંગ આ મહિલા કુલિઓ કરી રહી છે.