ઝી બ્યૂરો, અમદાવાદઃ તમને બધાને તિરંગા ફિલ્મનો રાજકુમારનો એ ડાયલોગ તો જરૂર યાદ હશે. ફ્યૂઝ કન્ડક્ટર...ગેંડા સ્વામી,,,ફ્યૂઝ કન્ડક્ટર...જી કે બિના યે મિસાઈલ સિર્ફ ધુઆં નિકાલને વાલી મશીન બનકર રહે ગઈ હૈ...એમાં મિસાઈલ ટેકનોલોજી માટે જે ફ્યુઝ કન્ડકટર વાપરવામાં આવે છે તેની પાછળ ખુબ જ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. ત્યારે આવા જ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ સેમિકન્ડક્ટર બનાવવા માટે તાઈવાનની કંપનીએ ગુજરાત પર પસંદગીનો કળશ ધોળ્યો છે. આ કંપની દ્વારા તેના માટે ગુજરાતના 4 શહેરોમાં સ્પેસિફિક જગ્યાની પસંદગી પણ કરી લીધી છે. જોકે, હજુ પણ ફાઈનલ નિર્ણય લેવાનો બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્ત્વનું છેકે, ગુજરાતમાં વેદાંતા અને તાઈવાનની કંપની ફોક્સકોનના સેમિકન્ડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે પ્લાન્ટ માટે જગ્યાની જાહેરાત આગામી 7 દિવસમાં થઈ શકે છે. વેદાંતા અને તાઇવાનની ફોક્સકોન કંપનીની ટેકનિકલ ટીમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠામાં પ્લાન્ટ માટે જમીનો જોઈ છે, જેમાંથી એક જગ્યાની પસંદગી કરાશે. પ્લાન્ટ માટેની જગ્યા નક્કી કરવા ટીમે સોઇલ ટેસ્ટ, વીજળી, પાણીની વ્યવસ્થા સહિતના 50 પેરામીટર નક્કી કર્યા હતા, જેનો રિપોર્ટ તાઇવાનમાં કંપનીને મોકલશે, જેના પાંચ દિવસ પછી એક્સપર્ટની એક ટીમ ગુજરાતમાં આવશે અને આ ચાર જગ્યામાંથી પ્લાન્ટ માટે એકની પસંદગી કરશે.


જગ્યા ફાઈનલ કરવા માટે વિવિધ સેક્ટર્સના એક્સપર્ટની એક ખાસ ટીમ પણ બનાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સાઇટની જાહેરાત એકાદ બે અઠવાડિયામાં થશે. વેદાંતા અને ફોક્સકોને પ્લાન્ટની જગ્યા માટે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, કારણ કે તેઓ રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થાપવા માટેનાં ટેકનિકલ પાસાં, કોમર્શિયલ કનેક્ટિવિટી અને વેપાર સંભાવનાઓના આધારે વિવિધ સાઇટ્સનું મૂલ્યાંકન કરી રહી છે.


સૂત્રોએ જણાવ્યું છેકે, સાઇટની પસંદગી કરતી વખતે ઘણી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, પ્લાન્ટ પાસેથી પસાર થતી ટ્રેનના કંપનથી પણ પ્રોડક્શનની પ્રોસેસને અસર થઈ શકે છે. આથી પ્લાન્ટની નજીક કોઈ કંપન થતું હોવું ન જોઈએ. વર્ષમાં એક સેકન્ડ માટે પણ વીજળી બંધ રહે તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 હેઠળ આ પ્રોજેક્ટને સબસિડી તથા જમીનની ખરીદી પર ઝીરો સ્ટેમ્પ ડ્યૂટી, સબસિડાઇઝ્ડ વીજળી, પાણી જેવા પ્રોત્સાહનો મળવાની સંભાવના છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે, જેની પાસે સેમિકન્ડક્ટર એન્ડ ડિસ્પ્લે ફેબ્રિકેશન સેક્ટરની પોલિસી છે.


સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, વેદાંતા અને ફોક્સકોને અગાઉ વિવિધ દેશોમાં ઘણી બધી સાઇટ્સનું મૂલ્યાંકન કર્યું હતું, પરંતુ જ્યારે ગત ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત કરી ત્યારે બંને કંપનીએ દેશનાં અલગ અલગ રાજ્યોમાં જમીન જોવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ તેમણે ગુજરાતને પસંદ કર્યું હતું. ગત 14 સપ્ટેમ્બરે વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે 1,54,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા.