ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં ભાજપ માટે સ્થાનિક લેવલે નેતાઓની, પદાધિકારીઓની અને કાર્યકરોની નારાજગી દૂર કરવી ખુબ જ જરૂરી છે. ત્યારે ઘણાં અધિકારીઓ જે ભાજપના નેતાઓનું સાંભળતા નથી અને પોતાની મનમાની કરે છે એવા અધિકારીઓ પર હવે ઘાત છે. એમાંય ખાસ કરીને નામ વટાઉ એટલેકે, સરકારના મંત્રીઓ કે સંગઠનના મોટા હોદ્દેદારો કે પછી છેક ભાજપ હાઈકમાન્ડ સાથે તાર જોડાયેલાં હોવાની વાતો કરીને પોતાની વગનો ખોટો ઉપયોગ કરતા અધિકારીઓ પર હાલ લટકતી તલવાર છે. CMO માંથી OSD એટલેકે, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કાર્યરત વી.ડી.વાઘેલાંની હકાલપટ્ટી કરવામાં આવી. આ સાથે જ સીએમઓમાંથી વધુ એક અધિકારીની હકાલપટ્ટી કરાઈ. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી છેલ્લાં કેટલાંક સમયમાં આ ત્રીજા અધિકારીની હકાલપટ્ટી કરાઈ છે. ઉલ્લેખનીય છેકે, વાઘેલાને સીએમ કાર્યાલયમાં શહેરી વિકાસના કેટલાંક મહત્ત્વના કામોની જવાબદારીઓ સોંપાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં MP-MLAની નારાજગી દૂર કરવા મુખ્યમંત્રી ઓફિસમાંથી વધુ એક અધિકારીની એક્ઝિટના ભણકારા સંભાઈ રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં હાલ જાણે સફાઈ અભિયાન હાથ ધરાયું હોય તેવી સ્થિતિ છે. અગાઉ બે અધિકારીઓની હકાલપટ્ટી બાદ હવે વધુ એક અધિકારીને તગેડવાની ભાજપે તૈયારી કરી લીધી છે. આ અધિકારી માટે સચિવાલયના ઓફિસરોનો અભિપ્રાય નેગેટીવ આવી રહ્યો છે. કિરણ પટેલ સાથે સંકળાયેલા હિતેશ પંડ્યા, OSD એન. એન. દવે પછી હવે અન્ય એક અધિકારીને દૂર કરવા તજવીજ હાથ ધરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.


ગુજરાતના મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા અમિત પંડ્યાના પિતા અને મુખ્યમંત્રી કચેરીમાં આસિસ્ટન્ટપીઆરઓ તરીકે વર્ષોથી ફરજ બજાવતા હિતેશ પંડ્યાની હકાલપટ્ટી પછી તાજેતરમાં થયેલી આઇએએસ ઓફિસરોની બદલીમાં મુખ્યમંત્રીના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) તરીકે ફરજ બજાવતા એનએન દવેની બદલી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી છે. સૂત્રોએ કહ્યું હતુ કે મુખ્યમંત્રી સાથે મુલાકાત ગોઠવવામાં તેમની સામે પાર્ટીના કેટલાક સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના નેતાઓ અને વીઆઇપી મુલાકાતીઓએ અનેક ફરિયાદી કરી હતી.


એવી પણ ફરિયાદ કરવામાં આવી હતીકે, સરકારના કામો ઝડપથી કરવાની જગ્યાએ આ અધિકારી તેને વધુ ગુંચવી રહ્યાં છે. સચિવાલયમાં એવી ચર્ચા છે કે આ અધિકારીઓ પડદા પાછળ કેટલાક બિલ્ડર જૂથો સાથે સંકળાયેલા છે. તેમ છતાં સીએમઓ ઓફિસમાં પોતે પ્રામાણિક હોવાની છાપ ઉભી કરીને અંદરખાને મલાઈ ખાતા હોવાની પણ પદાધિકારીઓએ ભાજપમાં અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જો કે આ અધિકારીઓને બદલવા માટે તેમજ વિકલ્પ શોષવા માટેની સુચના આપી દેવાઈ છે. હાલ તેને કારણે સચિવાલયના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ઉલ્લેખનીય છેકે, એટલું જ નહીં નામ વટાઉ પદાધિકારીઓ પર પણ ઘાત છે. ભાજપ દ્વારા આવા પદાધિકારીઓનો પણ રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી પહેલાં હાથ ધરાયેલાં સફાઈ અભિયાનમાં પ્રદેશ ભાજપ દ્વારા જુના જિલ્લા પ્રમુખોને હટાવીને નવા નામોને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપમાં અત્યંત મહત્ત્વના ગણાતા પ્રદેશ મહામંત્રી પદેથી પણ ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. વડોદરામાં પથ્થરમારો થયા પછી જ ભટ્ટને તગેડી મૂકયા છે. ભાર્ગવ ભટ્ટ વર્ષોથી સંઘ સાથે જોડાયેલાં હતાં. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મંગળવારે વડોદરાની મુલાકાતે હતા. જેના બીજા જ દિવસ બુધવારે મુળ વડોદરાના અને આઠેક વર્ષથી પ્રદેશમાં હોદ્દો ધરાવતા ભટ્ટને મહામંત્રીપદેથી ઉતારી દેવાયા છે.