ચેતન પટેલ, સુરતઃ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ.ને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યાં છે. ત્યારે આ મામલામાં વધુ એક મોટી વાત સામે આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાસે 8 કરોડની ખંડણી માગનાર સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખંડણીખોર વિજય રાજપૂત સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ખંડણીખોર વિજય રાજપૂતની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સ્ટાર્ટર ગન મળી આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોટીલા પોલીસે વિજય સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો છે. જે અંતર્ગત હવે આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેની પાસે આ ગન ક્યાંથી આવી? કે ગન લઈને ફરતો હતો તેની પાછળ તેનો શું ઈરાદો હતો? કોણ કોણ તેના ટાર્ગેટ પર હતું? આવા અનેક સવાલોના જવાબો પોલીસ તેની પાસેથી પૂછપરછ દરમિયાન મેળવશે. વધુ એક એવી વાત પણ સામે આવી છેકે, મોરબીની હોટેલમાં જીનેન્દ્ર શાહ માટે વિજયે કરી હતી ખાસ વ્યવસ્થા. જીનેન્દ્રએ હોટલમાં બોગસ ચૂંટણી કાર્ડ આપ્યું હતું. મોરબી પોલીસે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છેકે, ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓને બદનામ કરવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માંગતો વીડિયો થોડા સમય પહેલા વાઇરલ થયો હતો. જેને આધારે ક્રાઇમબ્રાંચે વધુ એકની ધરપકડ કરી હતી. ચોટીલા ખાતેથી વિજય ઉર્ફે વિજયસિંહ રાજપૂત હરી ટાંકને ક્રાઇમબ્રાંચે પકડી પાડ્યો ત્યારે તેની પાસેથી સ્ટાર્ટર ગન મળી હતી. આથી ચોટીલા પોલીસે વિજય ટાંક સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો છે.


બીજી તરફ ક્રાઇમબ્રાંચે રિમાન્ડમાં જીનેન્દ્ર ભરત શાહ પાસે આસામનું બોગસ ઈલેક્શન કાર્ડ કબજે કર્યુ છે. મોરબીની હોટેલમાં જીનેન્દ્ર શાહને રહેવાની વ્યવસ્થા વિજય ટાંકે કરી આપી હતી. હોટેલમાં જીનેન્દ્રએ બોગસ ચૂંટણી કાર્ડ આપ્યું હતું. આથી મોરબી પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે. જીનેન્દ્ર શાહ અને વિજય ટાંક સામે વધુ 1-1 ગુનો મોરબી અને ચોટીલામાં દાખલ થયો છે. પોલીસ બંનેનો કબજે લેશે.