• ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે 30 મે સુધી ફોર્મ જમા કરાવી શકાશે, 31મીએ મેરિટ

  • ધો. 10ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના માર્કને આધારે મેરિટ બનશે

  • સ્કૂલ કક્ષાએ પ્રવેશ ન મળે તો 10 જૂને કેન્દ્રીય પ્રક્રિયામાં ફોર્મ ભરી શકાશે

  • લઘુમતી ટ્રસ્ટ સંચાલિત શાળાઓએ પોતાની શાળાના 69 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે

  • લઘુમતી સ્કૂલે અન્ય શાળાના છ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે


ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીએ ધોરણ 11 સાયન્સની 150 સ્કૂલની 9 હજારથી વધુ બેઠકો પર શૈક્ષણિક વર્ષ 2024-25 માટેના પ્રવેશ - કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અનુસાર 25 મેથી શાળા કક્ષાએથી પ્રવેશ ફોર્મ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. આ પ્રવેશ ફોર્મ 30 મે સુધી આપવામાં આવશે. આ નિયત તારીખ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરીને જમા કરાવવાનાં રહેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક સ્કૂલને વિદ્યાર્થીઓની ઓવરઓલ પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરીને 31 મેએ સવારે 9 વાગ્યે નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓમાંથી પ્રવેશને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓની પ્રથમ પ્રવેશ યાદી 1 જૂને જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર બીજી અને ત્રીજી પ્રવેશ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે.


11 સાયન્સના એક વર્ગ માટે બેઠકોનું વર્ગીકરણઃ
વર્ગ                                                            બેઠકો
અનુસૂચિત જાતિ                                             5
અનુસૂચિત જનજાતિ                                        1
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ                        20
આર્થિક રીતે નબળા (EWS)                             8
પોતાની શાળાના વિદ્યાર્થી                               25
અન્ય શાળાના 
(જે શાળામાં 11 વિજ્ઞાન પ્રવાહ ન હોય તેના ધો.10 પાસ વિદ્યાર્થી)    6
કુલ                                                               75


ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં મેળવેલા ગુણને ધ્યાનમાં રાખીને પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા પ્રોવિઝનલ માર્કશીટને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે. શાળા કક્ષાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રવેશથી વંચિત રહેલા વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય ભરતી પ્રક્રિયાનાં ફોર્મ 10 જૂનના રોજ સરકારી કન્યા શાળા, રાયખડ અમદાવાદ ખાતે સવારે 11થી બપોરે 4 દરમિયાન મેળવીને તે જ દિવસે ફોર્મ ભરીને વિતરણ કેન્દ્ર પર પરત જમા કરાવવાનાં રહેશે.