ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર રાજકોટના ભાજપના કોર્પોરેટરની કોલેજમાંથી જ લીક થયું હોવાનો ખુલાસો થયો છે. પેપર લીકના 111 દિવસ બાદ આખરે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એચ. એન. શુક્લ કોલેજમાંથી પેપર લીક થયું હતું. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. એચ. એન. શુક્લ કોલેજના સંચાલક  કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ છે. આ મામલે આરોપી જીગર ભટ્ટ સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 ઓક્ટોબર 2022ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના બની હતી. પરીક્ષાનું પેપર લીક સમાચાર વહેતા બીકોમની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તો  બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું.  પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા હતા. નવાઈની વાત એ છે કે, આટલા દિવસો સુધી યુનિવર્સિટીએ ફરિયાદ નહોતી નોંધાવી. જેના કારણે યુનિવર્સિટી પર સવાલો પણ ઉભા થયા હતા.


પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા હતા . 13 ઓક્ટોબરે લેવાનારી બંને પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે મીડિયા પાસે પહોંચી હતી. તો અમુક ખાનગી કોલેજોના સંચાલકો રાત્રે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચા વહેતી થઈ હતી. પરીક્ષા નિયામક દ્વારા તાત્કાલિક પેપર રદ કરવામાં આવ્યા હતા. ૭૦ થી વધુ કોલેજના ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને અસર થઈ હતી.


આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગત 12 ઓકટોબરના રોજ પેપર ફૂટ્યું હતું અને તેમાં કેટલાક ઈસમો દ્વારા પેપર ફોડ્યા બાદ અખબારી માધ્યમની પ્રેસ નોટમાં આપવામાં આવ્યા હતા. જે બાબતની જાણ જે તે સમયે ભક્તિનગર પોલીસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કરવામાં આવી હતી અને યુનિવર્સીટી દ્વારા આ મામલે અરજી કરવામાં આવી હતી. FSL ના રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ફરિયાદનું કહેતા યુનિવર્સીટીના રજિસ્ટ્રારએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે તાત્કાલિક અસરથી સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવશે, બેઠકમાં નક્કી થયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં આ પ્રકારના બનવામાં જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા છે આમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે