ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે ગૂનો નોંધાયો, ભ્રષ્ટાચારના કેસમાં ભરાયા એસ.કે.લાંગા
આ અગાઉ પણ લાંગાનું નામ ચર્ચામાં આવી ચુક્યું છે. લાંગાના કારનામા લાંબા છે. નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગા માતરના વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યાં હોવાનો પર્દાફાશ થતાં એક વર્ષ અગાઉ ગણોતધારા હેઠળ કેસ દાખલ કરાયો હતો.
હિતલ પારેખ, ગાંધીનગરઃ સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, સમગ્ર મામલામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા, તત્કાલીન ચિટનિશ અને RAC વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સ્થિત સેક્ટર 7 પોલિસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગાંધીનગરના કેતન ધ્રુવ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં બાબતની ફરિયાદ કરાઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સરકારી ફરજ સમયે અધિકારીએ પોતાના પદનો દૂર ઉપયોગ કરીને ભરાષ્ટ્રચાર આચાર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, આ અગાઉ પણ લાંગાનું નામ ચર્ચામાં આવી ચુક્યું છે. લાંગાના કારનામા લાંબા છે. નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગા માતરના વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યાં હોવાનો પર્દાફાશ થતાં એક વર્ષ અગાઉ ગણોતધારા હેઠળ કેસ દાખલ કરાયો હતો. અગાઉ જ્યારે તેઓ ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં કેટલીક સરકારી જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિઓને અપાવી બિન ખેડૂતોને ખેડૂત બનાવી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
કોણ છે એસ.કે.લાંગા?
ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગરમાં કલેક્ટર હતા તે સમયે પણ ઘણાં મામલા સામે આવ્યાં હતાં. એસ. કે. લાંગા 6 જિલ્લામાં RAC, DDO અને કલેક્ટર પદે રાજયોગ ભોગવી ચૂક્યાં છે. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.
કેટલી પ્રોપર્ટી ભેગી કરીઃ
સૂત્રોની માનીએ તો એસ.કે.લાંગાના નામે અને તેમના મળતિયાઓના સગાના નામે અધધ મિલકત છે. ખાસ કરીને ઘણી જમીનોના સોદામાં તેમનો ભાગ રહેતો. અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ, 4 દુકાનો, પરિવારના સભ્યોના નામે અનેક પ્રોપર્ટી અને રાઈસ મિલમાં ભાગીદારી ધરાવે છે લાંગા.
શું હતો માતરનો મામલો?
માતરમાં ચાલી રહેલ બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજોની ચકાસણી કરતાં પૂર્વ IAS એસ. કે. લાંગાએ માતર તાલુકાના વિરોજા ગામે જમીન ખરીદી હતી. જેનાં કાગળો અને રેકર્ડ ચકાસણી દરમિયાન તેઓ ખોટી રીતે ખેડૂત બન્યા હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડતા તેમને એક મહિના પહેલા ખેડૂત બન્યા હોય તેના જરૂરી પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ લાંગાએ ખેડૂત હોવાના પૂરાવા રજૂ ન કરી શકતાં કાર્યવાહી કરાઈ હતી.