કેમ છેલ્લાં 100 વર્ષથી અહીં ગણપતિને પોલીસ આપે છે ગાર્ડ ઓફ ઓનર? જાણવા જેવી છે વાત
Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના દિવસે ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગણપતિ એક એવા દેવ જેમનું પૂજન દરેક શુભકાર્યમાં સૌથી પ્રથમ કરવામાં આવે છે. જેમનાં માતા જગદંબા છે, માં પાર્વતી જેમના માતા છે. મહાદેવ ભગવાન ભોળાનાથ જેમના પિતા છે. રિદ્ધિ-સિદ્ધિ જેમની પત્ની છે એવા અનુપમ દેવ છે ભગવાન શ્રીગણેશ. જેમને શ્રીજી અને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. ધરતી પર આવતા તમામ સંકટો અને જીવસૃષ્ટિ પર આવતા તમારા જીવનમાં આવતા તમામ વિધ્નોને જે ચપટીમાં હરી લે છે તેવા વિધ્નહર્તા દેવની વિવિધ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આજે શરૂ થતા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે. મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સૂંઢવાળા છે. જોકે, મોટા ભાગે મંદિરોમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. આ ગણપતિને પોલીસ દ્વારા દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા વર્ષ 1921થી ચાલી આવી રહી છે. એ સમય ગાળા દરમિયાન મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવી બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. મંદિરના પૂજારીના જણાવ્યાં પ્રમાણે 1911માં અહીંયા નિરંજન દાસ ગુરુએ જમીન ખરીદી હતી અને 1917માં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ પરંપરા યથાવત છે.
મહેસાણા શહેરમાં ફુવાર પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા અનેક ગણો છે. મહેસાણા શહેરના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. આ મંદિરમાં ગણપતિજીની જમણી સૂંઢવાળી વિશેષ પ્રતિમા છે. સામન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંઢવાળી પ્રતિમાં છે. ગણેશ ચતુર્થીના દિવસે ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો મહિમા અનેરો છે. સિદ્ધિ વિનાયક મંદિર 100 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી નિમાર્ણ પામેલું છે. સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણશેજીની પ્રતિમાનું વિશેષ મહત્વ છે. અત્રે ઉલેખનીય છે કે, ગણપતિ બાપાની સ્થાપના સમયે મહેસાણા પોલીસ દ્વારા 100 વર્ષથી ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. આ મંદિરે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ગણપતિ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને તે સમયથી દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા યથાવત છે.